નવી દિલ્હીઃ આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. દિલ્હીના ઝવેરી બજારમાં આજે બુધવારે સોનાનો ભાવ 231 રૂપિયા ઘટ્યો હતો. આજે 10 ગ્રામ સોનાનો ભાવ 48,421 રૂપિયા થયો હતો. તો ચાંદીના ભાવ 256 રૂપિયા તૂટ્યા અને એક કિલોગ્રામનો ભાવ 65,614 રૂપિયા થયો હતો. ગઇકાલ મંગળવારે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ દીઠ 48,652 રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ 1 કિલોગ્રામ દીઠ 65,870 રૂપિયા હતો.
બુધવારે હાજરની સાથે-સાથે વાયદા બજારમાં પણ સોના-ચાંદીના ભાવ ઘટ્યા હતા. એમસીએક્સ ખાતે ગોલ્ડ ફ્યૂચર 0.6 ટકા કે 293 રૂપિયા ઘટીને 48,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. તો ચાંદી વાયદો 0.63 ટકા કે 418 રૂપિયા તૂટીને 66,117 રૂપિયા પ્રતિ એક કિગ્રા બોલાઇ હતી.
આજે વૈશ્વિક બજારમાં પણ સોના-ચાંદીના ભાવમાં એકંદરે નરમાઇ તરફી માહોલ હતો. સોનાનો વૈશ્વિક ભાવ 5.6 ડોલરના ઘટાડે 1851 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાતો હતો. તો ચાંદી 25.55 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થઇ હતી.
આજે અમેરિકન ફેડરલ રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસી જાહેર થવાની અને આથી હાલ બુલિયનમાં નરમાઇ તરફી માહોલ છે. ઉપરાંત હાલ રોકાણકારો વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકામાં જાહેર થનાર નવા આર્થિક રાહત પેકેજની રાહ જોઇ રહ્યા છે. આ દરમિયાન એવા અહેવાલ આવ્યા છે કે અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ જો બિડેન કોરોના વાયરસના ફટકાથી અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે રિપબ્લિક પાર્ટના સપોર્ટ વગર જ 1.9 લાખ કરોડ ડોલરના આર્થિક રાહત પેકેજની ચર્ચા આગળ ધપાવી શકે છે.