નવી દિલ્હીઃ સસ્તુ સોનું ખરીદવા માટે હાલ સુવર્ણ દિવસો ચાલી રહ્યા છે. કારણ કે સોનાના ભાવ 10 મહિનાની સૌથી નીચી સપાટી ઉતરી ગયા છે અને તેની સર્વોચ્ચ સપાટીથી 12000 રૂપિયા જેટલુ સસ્તુ થઇ ગયુ છે. આથી જે લોકો ઉંચા ભાવ સોનું ખરીદી શક્યા ન હતા તેમની માટે ખરીદી કરવાનો આ યોગ્ય સમય છે.
આજે શુક્રવારે દેશની રાજધાની દિલ્હીના ઝવેરી બજારમાં શુક્રવારે સોનાનો ભાવ 291 રૂપિયા ઘટ્યો અને પ્રતિ 10 ગ્રામની કિંમત 44,059 રૂપિયા થઇ હતી. તો સોનાની પાછળ ચાંદીમાં આજે મોટો કડાકો બોલાયો હતો. આજે ચાંદીમાં પણ 1096 રૂપિયાનો કડાકો બોલાયો હતો અને પ્રતિ 1 કિગ્રાની કિંમત 65,958 રૂપિયા થઇ હતી. ગત ગુરુવારે દિલ્હીમાં સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ દીઠ 44,350 રૂપિયા અને ચાંદીની કિંમત પ્રતિ એક કિગ્રા દીઠ 67,054 રૂપિયા હતી.
આજે અમદાવાદના ઝવેરી બજારમાં આજે સોનાનો ભાવ 800 રૂપિયા ઘટીને 46,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. તો ચાંદીમાં 1000 રૂપિયાનો કડાકો બોલાયો હતો અને પ્રતિ એક કિગ્રાની કિંમત 67,000 રૂપિયા થઇ હતી.
આજે વૈશ્વિક બુલિયન માર્કેટમાં સોનું 15 ડોલર જેટલુ ઘટીને 1707 ડોલર અને ચાંદી પણ મંદીની ચાલમાં 25.67 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થઇ હતી.
સોનાના ભાવ ઘટવા પાછળ વૈશ્વિક અને સ્થાનિક પરિબળો જવાબદાર છે. વૈશ્વિક બજારમા કિંમતી ધાતુઓના ભાવ ઘટતા ભારતીય બજારોમાં પણ સોના-ચાંદીના ભાવ સતત ઘટી રહ્યા છે. યુએસ બોન્ડની યીલ્ડ વધી વધતા વૈશ્વિક રોકાણકારો તેમજ હેજ ફંડો બુલિયનમાંથી ફરી બોન્ડ માર્કેટ તરફ આકર્ષાયા છે અને તેના લીધે સોનું ઘટ્યુ છે. ઉપરાંત ડોલર સામે રૂપિયો મજબૂત થવાની અસરે ભારતીય બજારોમાં સોનાના ભાવ ઝડપથી ઘટ્યા છે. આજે ફોરેક્સ માર્કેટમાં યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો 12 પૈસાની મજબૂતીમાં 72.79 રૂપિયાના સ્તરે બંધ થયો હતો.