નવી દિલ્હીઃ હાલ ચાલી રહેલી લગ્નસરાની સીઝનમાં સોનાના ભાવ સતત ઘટીને 10 મહિનાની નીચી સપાટીએ ઉતરી જતા લોકોને નીચા ભાવ ખરીદવાની ઉત્તમ તક મળી છે. સોનાની સાથે-સાથે આજે ચાંદીના ભાવમાં પણ મોટો કડાકો બોલાતા તે પણ સસ્તી થઇ રહી છે.
આજે દિલ્હીના ઝવેરી બજારમાં સોનાના ભાવમાં વધુ 522 રૂપિયાનો કડાકો બોલાયો હતો અને પ્રતિ 10 ગ્રામની કિંમત 44,000 રૂપિયાની મહત્વપૂર્ણ સપાટીની નીચે 43,887 રૂપિયા થઇ હતી. જે છેલ્લા 10 મહિનાની સૌથી નીચી કિંમત છે. ગઇકાલ ગુરુવારે સોનાનો ભાવ 44,409 રૂપિયા હતો. તેવી જ રીતે ચાંદીમાં આજે 1822 રૂપિયાનો કડાકો બોલાયો અને એક કિગ્રા ચાંદીની કિંમત 64,805 રૂપિયા થઇ હતી. જે જાન્યુઆરી પછીનો સૌથી નીચો ભાવ છે. ગત ગુરવારે દિલ્હીના ઝવેરી બજારમાં એક કિગ્રા ચાંદીનો ભાવ 66,627 રૂપિયા હતો.
આજે અમદાવાદ ઝવેરી બજારમાં સોનું વધુ 200 રૂપિયા ઘટીને 10 ગ્રામની કિંમત 46,300 રૂપિયા થયુ હતુ. તો ચાંદીમાં 2000 રૂપિયાનો કડાકો બોલાતા પ્રતિ એક કિગ્રાની કિંમત 66,500 રૂપિયા થઇ હતી.
તાજેતરમાં સોનાના ભાવ સતત ઘટતા લોકોને ફરી નીચા ભાવ પીળીકિંમતી ધાતુ ખરીદવાની ઉત્તમ તક મળી છે. આ સાથે સોનું ઓગસ્ટ 2020માં બનેલી 56,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક ઉંચી સપાટીથી હાલ 12000 રૂપિયા જેટલુ સસ્તુ થઇ ગયુ છે.
ઉલ્લેખનિય છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં હાલ સોનાના ભાવ સતત ઘટ્યા છે અને આજે તો 1700 ડોલરની નીચે જતા રહેતા ભારતમાં પણ કિંમતો નોંધપાત્ર ઘટી રહી છે. વૈશ્વિક બજારમાં સોનાના ભાવ ઘટવાનું મુખ્ય કારણ અમેરિકન બોન્ડની યીલ્ડમાં વૃદ્ધિ અને ડોલર ઇન્ડેક્સની તેજી છે. આજે વૈશ્વિક બજારમાં સોનાનું 1700 ડોલરનું સપોર્ટ લેવલ ગુમાવી 14 ડોલરના ઘટાડે 1697 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાયુ હતુ. તો ચાંદી પણ સાધારણ ઘટીને 25.42 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થઇ હતુ.