નવી દિલ્હીઃ સપ્તાહના પહેલા દિવસ સોમવારે ફરી સોના-ચાંદીના ભાવ વધ્યા હતા. સોમવારે દિલ્હીના ઝવેરી બજારમાં આજે સોનું 241 રૂપિયા મોંઘુ થયુ હતુ અને પ્રતિ 10 ગ્રામનો ભાવ વધીને 45,520 રૂપિયા થયો હતો. તો ચાંદીમાં સોમવારે 781 રૂપિયા ઉછળી હતી અને પ્રતિ એક કિગ્રાનો ભાવ 68,877 રૂપિયા થયો હતો. જ્યારે પાછલા સપ્તાહે દિલ્હીમાં સોનાનો ભાવ 45,279 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીનો ભાવ 68,096 રૂપિયા પ્રતિ એક કિગ્રા હતો.
હાજર બજારની સાથે વાયદા બજારમાં પણ સોના-ચાંદી વધ્યા હતા. આજે એમસીએક્સ ખાતે સાંજ 5 વાગે સોનાનો એપ્રિલ વાયદો 84 રૂપિયાના સુધારામાં 45,820 રૂપિયા બોલાતો હતો. તો ચાંદીનો માર્ચ વાયદો 754 રૂપિયાની વૃદ્ધિમાં 68,015 રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. આજે વૈશ્વિક બજારમાં સોનું સુધરીને મજબૂતી સાથે 1753 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાઇ રહ્યુ હતુ. તો ચાંદી 27 ડોલરની નીચે 26.90 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થઇ હતી.
ઝવેરી બજારના જાણકારોના કહેવા અનુસાર વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુ સોના અને ચાંદીના ભાવ સુધરતા ભારતીય બજારોમાં પણ તેમના ભાવમાં સુધારો જોવા મળ્યો છે. આજે ફોરેક્સ મર્કેટમાં ડોલર સામે રૂપિયો ડોલર સામે 16 પૈસા મજબૂત થયો હતો જ્યારે તેની પૂર્વે સતત ત્રણ દિવસ રૂપિયાનુ મૂલ્ય ઘટ્યુ હતુ.