દિલ્હી દારૂ કૌભાંડમાં, રાઉઝ એવન્યુ કોર્ટે EDના મની લોન્ડરિંગ કેસમાં મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી ફરી એક વખત લંબાવી દીધી છે. જે બાદ તેમને તિહાર જેલમાં જ રહેવું પડશે. કોર્ટે તેમની કસ્ટડી 17 એપ્રિલ સુધી લંબાવી દીધી છે.
સીબીઆઈ કેસમાં પણ કોર્ટે લંબાવી હતી ન્યાયિક કસ્ટડી
જણાવી દઈએ કે આ પહેલા પણ, રાઉઝ એવન્યુ કોર્ટે સીબીઆઈ કેસમાં પણ દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 17 એપ્રિલ, 2023 સુધી વધારી દીધી હતી. મનીષ સિસોદિયા હાલ રદ થઈ ચુકેલી એક્સાઇઝ પોલિસીમાં કથિત અનિયમિતતા સંબંધિત કેસમાં જેલમાં છે. તમને જણાવી દઈએ કે આ પહેલા દિલ્હીની કોર્ટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા તપાસ કરવામાં આવી રહેલી એક્સાઈઝ પોલિસી મામલામાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી પણ ફગાવી દીધી હતી. રાઉઝ એવન્યુ કોર્ટે હવે સિસોદિયાને 17 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે.
સિસોદિયાની 26 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી
નોંધપાત્ર રીતે, સીબીઆઈએ 26 ફેબ્રુઆરીએ સિસોદિયાની હવે રદ કરાયેલી દિલ્હી એક્સાઈઝ પોલિસી 2021-22માં કથિત ભ્રષ્ટાચારના સંદર્ભમાં પૂછપરછના ઘણા રાઉન્ડ પછી ધરપકડ કરી હતી. સીબીઆઈએ 26 ફેબ્રુઆરીએ AAP નેતાની ધરપકડ કર્યા પછી, EDએ પણ આ જ કેસમાં 9 માર્ચે તેમની ધરપકડ કરી હતી. તપાસ એજન્સીએ કોર્ટને માહિતી આપી હતી કે પૂર્વ નાયબ મુખ્યમંત્રીના ઈમેલ અને મોબાઈલમાંથી મોટી માત્રામાં ડેટાનું ફોરેન્સિકલી વિશ્લેષણ પણ કરવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે મનીષ સિસોદિયાની ધરપકડ બાદ તેમને દિલ્હીના નાયબ મુખ્યમંત્રીના પદેથી રાજીનામુ આપી દીધું હતું. આ પછી ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે વિવાદ વધી ગયો છે. બંને પક્ષો એકબીજા પર આકરા પ્રહારો કરી રહ્યા છે અને ભાજપે તો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું રાજીનામુ પણ માંગી લીધું હતું. હાલમાં તો દિલ્લીમાં ભાજપ અને આપ વચ્ચે પોસ્ટર વોર પણ ચાલી રહ્યું છે.