મુંબઈ,તા.
બોલિવૂડના જાણીતા ફિલ્મમેકર પ્રકાશ ઝાની વેબ સિરીઝ ‘આશ્રમ’ની પહેલી સિઝન લોકોના મનમાં તાજી છે ત્યારે તેની બીજી સિઝનનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. મેકર્સે એમએક્સ પ્લેયર પર ફિલ્મની બીજી સિઝનનું ટ્રેલર રિલીઝ કર્યું છે. આશ્રમની બીજી સિઝનનું ટ્રેલર જોતા જ ફેન્સ હવે તે જલદી જોવા માટે ઉતાવળા થઈ રહ્યા છે. તારીખ ૧૧ નવેમ્બરના દિવસે ‘આશ્રમ’ની બીજી સિઝન એમએક્સ પ્લેયર પર લાઈવ થશે. આ સિઝનમાં પણ એક્ટર બોબી દેઓલ કાશીપુરવાળા નિરાલા બાબા તરીકે મુખ્ય રોલમાં જોવા મળશે.
દર્શકોને પણ આ સિઝનમાં ઘણું બધું નવું જોવા મળશે કારણકે આશ્રમની બીજી સિઝન પહેલી સિઝન કરતા વધારે ડાર્ક અને રસપ્રદ થવા જઈ રહી છે. આ ટ્રેલરમાં તમને જોવા મળશે કે રક્ષક અથવા ભક્ષક અને જે રીતે પાત્ર રજૂ કરવામાં આવ્યું છે તે જોઈને તમે એ લોકો માટે વિચારતા થઈ જશો કે જે લોકો પોતાને ભગવાન સમજે છે. પોતાને ભગવાન કહેવડાવતા બાબાઓ વિશે તમે વિચારવા માટે મજબૂર થઈ જશો. આશ્રમની પ્રથમ સિઝનની ક્રિટિક્સ એટલે વિવેચક અને દર્શકોએ ભારે પ્રશંસા કરી હતી. બીજી સિઝનમાં દર્શકોને આશ્રમના છુપાયેલા રહસ્ય વિશે જાણવા મળશે. તમે આ સિઝનમાં બાબાના પાત્રને વધુ નજીકથી જોઈ શકશો.