નવી દિલ્હી: રિઝર્વ બૅંક ઓફ ઈન્ડિયાને રૂ. ૨૦૦ની નૉટ બહાર પાડવા માટે સરકારે બુધવારે લીલી ઝંડી આપી દીધી છે, જેના કારણે નાની રોકડ ચૂકવવા માટે પણ ‘મોટી નૉટસ’ આપવાની તકલીફ થતી હતી, તેમાં ઘટાડો થશે.
નાણા મંત્રાલયે એક જાહેરનામામાં જણાવ્યું હતું કે, રિઝર્વ બૅંકના સેન્ટ્રલ બોર્ડ ઑફ ડિરેકટર્સ દ્વારા કરવામાં આવેલી ભલામણના પગલે કેન્દ્ર સરકાર રૂ. ૨૦૦ની નૉટસ બહાર પાડવાની મંજૂરી આપે છે. રૂ. ૨૦૦ની નૉટસ ટૂંક સમયમાં જ ચલણમાં સ્થાન લેશે. સૂત્રોના જણાવ્યા મુજબ રૂ. ૨૦૦ની
ચલણી નૉટ્સ છાપવાના પગલે દેશમાં ચલણની સ્થિતિમાં ફરી સુધારો જોવા મળશે.
ગયા વર્ષે ૯મી નવેમ્બરના રોજ નૉટબંધીના પગલે રિઝર્વ બૅંકે રૂ. ૨૦૦ની નૉટસ અને સુધારા સાથે રૂ. ૫૦૦ની નવી નૉટસ ચલણમાં મૂકીને ચલણી નાણાંની સલામતીમાં વધારો કર્યો હતો.
હવે રૂ. ૨૦૦ની ચલણી નૉટસ મૂકવાની સાથે રૂ. ૨૦૦૦ની ઊંચા મૂલ્યની નૉટસના કારણે લોકોને પડતી મુશ્કેલીમાં ઘણો ઘટાડો થશે. રિઝર્વ બૅંકે રૂ. ૫૦ની નવી બૅન્ક નૉટસમાં ‘હમ્પી વીથ ચેરિઓટ’ જેવા સાંસ્કૃતિક વારસાને સ્થાન આપ્યું છે.
એક આશ્ર્ચર્યજનક જાહેરાત કરીને ગયા વર્ષે નવેમ્બર મહિનામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ. ૧૦૦ અને રૂ. ૫૦૦ની જૂની નૉટોને રદ જાહેર કરી હતી. જેના કારણે ચલણમાંથી ૮૬ ટકા નૉટસ દૂર થઈ ગઈ હતી. કાળાં નાણાં, બનાવટી નૉટસ અને આતંકવાદને પ્રોત્સાહન આપતાં નાણાંને રોકવાનો તેમનો હેતુ હતો અને હવે ચલણી નાણાંનો ગેરકાનૂની વ્યવસાયને નાથવા માટે રિઝર્વ બૅંકે રૂ. ૨૦૦ની બૅન્ક નૉટસ ઈતિહાસમાં પહેલી વાર પાડશે.
બુધવારે નાણા મંત્રાલયે દેશના ગેઝેટમાં એક જાહેરનામું બહાર પાડીને જણાવ્યું હતું કે રિઝર્વ બૅંક ઑફ ઈન્ડિયાએ એકટ, ૧૯૩૪ની કલમ ૨૪ની પેટા કલમ (૧) હેઠળ મળતી અધિકાર હેઠળ, રિઝર્વ બૅંક ઑફ ઈન્ડિયાના સેન્ટ્રલ બોર્ડ ડિરેકટર્સ દ્વારા કરવામાં આવેલી ભલામણના પગલે કેન્દ્ર સરકાર રૂ. ૨૦૦ની નૉટ બહાર પાડવાનું જાહેર કરે છે.
રિઝર્વ બૅંક એ નૉટ્સ ઑગસ્ટ મહિનાના અંતમાં કે સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં ચલણમાં ફરતી કરશે. સાધનોના જણાવ્યા મુજબ સરકારનું આ પગલું ‘બ્લેક માર્કેટિંગ’ રોકવા માટે છે અને તેથી એ નવા મૂલ્યની ૫૦ કરોડ નૉટસ ચલણમાં મૂકીને ગેરકાયદે વેપાર રોકવા માટેનું છે.
હાલમાં રૂ. ૧૦૦ અને રૂ. ૫૦૦ની નૉટના ચલણની વચ્ચેનું મૂલ્ય ધરાવતું એક પણ ચલણ નથી. રિઝર્વ બૅંકને વિશ્ર્વાસ છે કે, રૂ. ૨૦૦ની નૉટસ લોકો આવકારી લેશે. તેથી તેની પ્રાપ્યતા પણ સરળ બનાવવાનું પગલું પણ લેવામાં આવ્યું છે. સ્ટેટ બૅંક ઑફ ઈન્ડિયાના ગ્રુપ ચીફ ઇકોનોમિસ્ટ સૌમ્યકાંત ઘોષના જણાવ્યા મુજબ સામાન્ય માણસની તકલીફ તેનાથી ઘટશે.
રૂ. ૨૦૦૦ની નૉટ્સ બહાર પાડયા પછી, ‘બ્લેક માર્કેટિંગ’ વધી ગયેલું જોવા મળતાં તેને ધીરે ધીરે ચલણમાં ઘટાડવાની પણ આ એક કવાયત છે. રૂ. ૨૦૦ની નૉટસથી, એશિયાના ત્રીજા ંબરના અર્થતંત્ર ધરાવતા ભારતમાં, કરવેરા વગરની રોકડ રોકવાનું મોટું પગલું બની રહેશે. ઘોષના જણાવ્યા મુજબ રૂ. ૨૦૦ની નૉટસ બહાર પાડવાના બે હેતુ છે. એક તો રોકડ વપરાશની સગવડમાં વધારો કરવો અને નાની નૉટસનો સમગ્ર નાણાંકીય હેરફેરમાં વધારે ઉપયોગ થશે.