ભારત દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસનો આજે 137મો સ્થાપના દિવસ છે. ભવ્ય ઈતિહાસ ધરાવતી કોંગ્રેસનો વર્તમાન કેવો છે? ભવિષ્ય શું છે? એક તરફ નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ મૂક્ત ભારતનૂં સૂત્ર આપ્યું છે અને બીજી તરફ સિનિયર કોંગ્રેસનીઓ પરિવર્તનને સ્વીકારવા તૈયાર નથી. ગ્રાસ લૂંટાઈ રહ્યો હોવાનો ડોળો કરીને સિનિયર કોંગ્રેસીઓ કોંગ્રેસને વધુ ગર્તામાં ધકેલી રહ્યા છે.
આ બધામાં ગુજરાત કોંગ્રેસની સ્થિતિ શું છે?
જશ્ન તુમ મના રહે હો અપની સાલગિરાહ કા,
ચહેરે પર અબ તુમ્હારી બહોત ઝૂર્રિયાં ભી હૈ…
ગુજરાત કોંગ્રેસ પર નજર કરીએ તો છેક આઝાદીકાળથી ગુજરાતે કોંગ્રેસને નવી દિશા આપી છે. એમ કહીએ તો ચાલે કે કોંગ્રેસનો પાયો મજબૂત થયો તે ગુજરાતે જ કર્યો છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સરદાર પટેલ, મોરારજી દેસાઈ સહિત અનેક નેતાઓ ગુજરાતે કોંગ્રેસને આપ્યા છે. આઝાદીની લડાઈમાં કોંગ્રેસનું યોગદાન હતું પણ જેમ જેમ સત્તાનો સ્વાદ ચાખવાનો મળ્યો તેમ તેમ કોંગ્રેસમાં અનિષ્ટોનો પગપેસારો થયો. અવિરત જૂથવાદ, ગોડફારીયા કલ્ચર, કોંગ્રેસીઓ જ કોંગ્રેસને હરાવવાની માનસિકતા, નિરંકુશ બળવાખોરી સહિતની સમસ્યાઓથી ગુજરાત કોંગ્રેસ દિવસેને દિવસે તૂટતી ગઈ. સ્થિતિ એ આવીને ઉભી રહી ગઈ કે પાછલા 25 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ સત્તા પર દુર થઈ ગઈ છે.
ગુજરાત કોંગ્રેસ પાસે અનેક દિગ્ગજ નેતાઓ હતા. છતાં ગુજરાતમાં કોંગ્રેસ પોતાનું ઘર સાચવવામાં નિષ્ફળ રહી હોય એમ લાગ્યા કરે છે. નેતાઓ અને કાર્યકરો ગલીના છોકરની જેમ ટીકીટો અને હોદ્દા માટે લડતા જોવા મળે છે. કોંગ્રેસના નેતાઓમાં કોંગ્રેસ પ્રત્યેની ભાવના કરતા પોતાના ગોડફાધર પ્રત્યેનો લગાવ અને ચાપલુસોની એક આખી જમાત ઉભી થઈ. આના પરિણામે ગુજરાતમાં કોંગ્રેસ સત્તાથી દુરને દુર થતી ગઈ છે.
ઈતિહાસ ભવ્ય છે. વર્તમાન ધૂંધળું અને ભવિષ્ય પર રહસ્ય છે. રાહુલ ગાંધીની જાહેરાતોને ગંભીરતાથી લેવામાં આવતી નથી. ક્યાંક ઔપચારિક્તા ખાત દેખાવ કરી દેવામાં આવે છે પણ ગુજરાત કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓનો લોકો સાથેનો નાતો તૂટી ગયો છે. જો નાતો રહ્યો હોત તો અનેકવિધ સળગતી સમસ્યાઓમાં કોંગ્રેસને જન સમર્થન ચોક્કસપણે મળ્યું હોત.
137મા સ્થાપના દિવસે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ આત્મમિમાંશા કરવાની રહે છે કે હવે કોંગ્રેસને સત્તાના કેન્દ્ર સુધી કેવી રીતે લઈ જવાની છે. સોશિયલ મીડિયાવીરો તો એવો દેખાડો કરે છે કે જાણે ગુજરાતમાં હવે કોંગ્રેસ જ સત્તા પર આવી રહી છે. મૂળભૂત પ્રશ્ન છે કે સત્તાની ખુરશી સુધી પહોંચવા માટે કોંગ્રેસ કેટલી તૈયાર છે? સંગઠન મજબૂત નથી. એક માણસ એક હજાર મતદારોના 10-15 બૂથ લઈ જાય અને એ બૂથમાંથી કોંગ્રેસના ગણીને પચાસ મત પણ નીકળતા ન હોય તો એવા કાર્યકરોને આટલા બધા બૂથ કેમ આપવામાં આવે છે. 10-10, 15-15 હજાર મતદારોનો હવાલો એક જ માણસ કેવી રીતે હેન્ડલ કરી શકે છે? મત જ મળતા ન હોય તો ત્યાં પહેલાં સંગઠનને મજબૂત કરવાનું હોય, નહિં કે એક માણસને સાગમટે આટલા બધા બૂથ આપી દેવાના હોય. કોંગ્રેસે અનેક પ્રકારે મંથન કરીને સંગઠનને અસરકારક તરફેણિયા વોટીંગ સુધી લઈ જવાનું રહે છે.
ગુજરાત કોંગ્રેસની નવી બોડી બનવાની છે ત્યારે 137મા સ્થાપના દિવસે કોંગ્રેસ આવનાર વિધાનસભાની ચૂંટણીમાં કેવી રીતે સફળતા હાંસલ કરશે એ જોવાનું રહે છે.