મુસ્લિમ સગીરા અને હિન્દૂ યુવક ઘરે થી ભાગી છૂટ્યા બાદ નારી સંરક્ષણ ગૃહ માં રહેલી સગીરા 18 વર્ષની થતા પ્રેમી યુવકે પોતાની પ્રેમિકાને પરત મેળવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરેલી હેબિયસ કોર્પસમાં કોર્ટે પ્રેમીની તરફેણમાં ચૂકાદો આપ્યો છે. અગાઉ પ્રેમી પોતાની પ્રેમિકા સાથે ભાગી ગયો ત્યારે સગીરા ની ઉંમર 17 વર્ષ હોવાથી તેને જુનાગઢ નારી સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવી હતી. જોકે, હવે તેની ઉંમર 18 વર્ષ થઈ જવાથી કોર્ટ સમક્ષ તેણે પોતાના પ્રેમી સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરતા કોર્ટે પરવાનગી આપી હતી.
ગીર સોમનાથના કોડીનારમાં હિન્દુ યુવકને મુસ્લિમ યુવતી સાથે પ્રેમ થઇ જતા બંને વર્ષ 2020માં લગ્ન માટે ભાગી છૂટ્યા હતા. જોકે યુવતી ઉંમર 17 વર્ષની હોવાથી પોક્સો હેઠળ પિતાએ યુવક સામે અપહરણ અને બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જે મામલે યુવકે ગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવ્યા હતા. સાથે જ યુવતીએ તે સમયે પોતાના પરિવાર સાથે રહેવા ઇચ્છતી ન હતી. જેથી યુવતીને જુનાગઢ નારી સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવી હતી.
હવે યુવતી પુખ્ત વયની એટલે કે 18 વર્ષની થઇ ગઇ હોવાથી યુવકે તેને પરત મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ રિટ દાખલ કરી હતી. જે મામલે કોર્ટ સમક્ષ યુવતીને હાજર કરવામાં આવી હતી. જે દરમિયાન યુવતીએ તેના પ્રેમી સાથે રહેવાનું ઈચ્છા વ્યક્ત કરી હતી. બંને પુખ્ત વયના હોવાથી સાથે રહેવા કોર્ટે પરવાનગી આપી હતી. આ બાબતે અરજદાર યુવકના એડવોકેટ પ્રશાંત ચાવડાએ જણાવ્યું હતું કે, હવે જૂનાગઢ નારી સંરક્ષણ ગૃહમાં રખાયેલી યુવતીની ઉંમર 18 વર્ષ થઈ ગઈ છે. જેથી તે જ્યાં જવા ઈચ્છે ત્યાં રહી શકે છે. સાથે જ યુવક પણ પુખ્ત વયનો હોવાથી બંનેને કોર્ટે સાથે રહેવાની પરવાનગી આપી છે.