આગામી રવિવાર એટલે કે 28મી મેથી ઇસ્લામ ધર્મનો પવિત્ર એવો રમઝાન મહિનો ચાલુ થવા જઇ રહ્યો છે. ઇસ્લામી પંચાગ અનુસાર 8મા મહિના શા’બાનનાં છેલ્લા દિવસે આકાશમાં ચંદ્રદર્શન સાથે મુસ્લિમ સમાજ એક પવિત્ર અને આદ્યાત્મિક ભાવમાં જોડાઇ જશે. આ વખતે રમઝાન મહિનામાં 29 રોઝા હશે, જેમાં છેલ્લો રોઝો 25મી જુને હશે. તેથી 26મી તારીખે સમગ્ર મુસ્લિમ સમાજ ‘ઇદ-ઉલ-ફિત્ર’ મનાવશે.
મહત્વની વાત છે કે ગત વર્ષે રમઝાન મહિનો 7મી જૂનથી શરૂ થઇને 7મી જુલાઇ સુધી ચાલ્યો હતો, જ્યારે આ વખતે રવિવારે શરૂ થઇને રવિવારે પૂર્ણ થશે. આ પવિત્ર રમઝાન માસમાં મુસ્લિમ ભાઇ-બહેનો રોઝા રાખે છે. રોઝા એક ઉપવાસ છે, જેમાં અન્ન-જળનો ત્યાગ કરવામાં આવે છે. તેમાં થુંક પણ ગળાથી નીચે ઉતારવામાં આવતું નથી. સાથે જ રોઝા દરમિયાન મુસ્લિમ બિરાદરો કુર્આનનું પઠન કરે છે.