દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલમાં યુરોલોજી વિભાગના ડોક્ટરોની ટીમે દર્દીના શરીરમાંથી સૌથી વજનદાર કિડની કાઢી છે. તેનું વજન 7.4 કિલોગ્રામ છે, આ કિડની દુનિયાની ત્રીજા નંબરની સૌથી ભારે કિડની છે. આ સર્જરી 2 કલાક ચાલી હતી.
આ સર્જરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળી શકે છે
યુરોલોજી વિભાગના કન્સલ્ટન્ટ ડો. સચિન કથૂરિયાએ કહ્યું કે, 56 વર્ષનો દર્દી દિલ્હીનો રહેવાસી છે. તે ઓટોસોમલ ડોમિનૅન્ટ પોલિસિસ્ટિક નામના જેનેટિક ડિસઓર્ડરથી પીડિત હતો. આ કારણે તેની કિડનીમાં સોજા આવી ગયા હતા. વર્ષ 2006થી દર્દીની સારવાર ચાલી રહી હતી, પરંતુ અમુક જોખમોને કારણે તે સર્જરી માટે તૈયાર નહોતો. અત્યાર સુધીમાં દુનિયામાં બે જ વખત આવી દુર્લભ સર્જરી થઈ ચૂકી છે. આની પહેલાં અમેરિકામાં 9 કિલો અને નેધરલેન્ડ્સમાં 8.7 કિલોની કિડની કાઢી હતી. અમે હાલ આ સર્જરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધવાની તૈયારી કરી રહ્યા છીએ.