70 વર્ષની વયે જ્યારે વ્યક્તિ પોતાના દોહિત્રો કે પ્રપોત્રનો રમાડવા ઇચ્છતો હોય તેવી વયે કોઇને લગ્ન કરવાની ઇચ્છા થાય અને તે પણ બીજું કોઇ નહીં પણ જાણતી સ્પોર્ટસ પર્સનાલીટી સાથે તો એવી વ્યક્તિને તમે શું કહેશો? ખેલાડીઓ પ્રત્યે તેમના ફેનની ચાહત અનોખી હોય છે અને પોતાના ફેનની ઇચ્છા સંતોષવા માટે જાણીતા ખેલાડીઓ પણ તૈયાર રહે છે. પણ પીવી સિંધુના એક 70 વર્ષિય વૃદ્ધ ફેને જે ઇચ્છા વ્યક્ત કરી છે તે સાંભળતા જ તમે હસી પડશો. આ વૃદ્ધે પીવી સિંધુ સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે અને તે પણ બીજે કશે કે મીડિયામાં નહીં પણ જિલ્લા કલેકટર સમક્ષ એક પીટીશન દાખલ કરીને.
તમિલનાડુના રામનાથપૂરમ જિલ્લાના એક ગામના રહીશ 70 વર્ષિય માલાસામીએ જિલ્લા કલેકટર દ્વારા આયોજિત સાપ્તાહિક બેઠકમાં એક પીટીશન રજૂ કરીને 24 વર્ષિય સિંધુ સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેણે પોતાની સાથે સિંધુનો એક ફોટો જોડીને આ ઇચ્છા વ્યક્ત કરી હતી. પોતાની પિટીશનમાં તેણે પોતાને 16 વર્ષનો છોકરો ગણાવ્યો હતો, જે 4 એપ્રિલ 2004ના દિવસે જન્મ્યો હતો. આ વૃદ્ધે એવી ચીમકી ઉચ્ચારી હતી કે જો સિંધુ તેની સાથે લગ્ન કરવા માટે તૈયાર નહીં થાય તો તે તેનું અપહરણ કરીને લઇ જશે.