21 ઓગષ્ટ-1949માં જન્મેલા અહેમદ પટેલ(બાબુભાઈ)એ 25 નવેમ્બર-2020નાં દિવસે આ દુનિયાને આખરી સલામ કરી વિદાય લીધી. કોરોનાનો જીવલેણ રોગની સારવાર દરમિયાન અહેમદ પટેલ મોત સામેનો જંગ હારી ગયા.ભરુચ જિલ્લાના અંકલેશ્વરના તેમના પૂર્વજોના ગામમાં માતા-પિતાની બાજુમાં તેમને સુપુર્દે ખાક કરવામાં આવ્યા. મૌલાના વસ્તાન્વીએ તેમની નમાઝે જનાજા પઢાવી હતી અને અહેમદ પટેલ સાથેના સંસ્મરણો વાગોળ્યા પણ હતા.
અહેમદ પટેલ રાજકીય વ્યસ્તતા વચ્ચે પણ પરિવાર માટે સંપૂર્ણ સમય કાઢતા હતા. ભરુચમાં મહિનામાં જ્યારે સમય મળે ત્યારે તેઓ અચૂક આવતા હતા અને પોતાના રાજ્યસભાના ભંડોળમાંથી ગ્રામ પંચાયચ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોના કામો કરતા હતા. અંત સુધી યુપીએ સરકારની મનરેગા યોજના એ તેમની સૌથી લાડકી યોજના બની રહી.
પરિવાર પ્રત્યેની તેમની ઉત્કટતા અનેરી હતી, પત્ની મૈમુના, પુત્ર ફૈઝલ અને પુત્રી મુમતાઝ સાથેનો તેમનો વાત્સલ્ય ભાવ કંઈક અલગ જ હતો. ફૈઝલને રાજકારણથી દુર રાખતા હતા. અનેક વખત ડિમાન્ડ પણ થઈ હતી કે ફૈઝલ પટેલને વિધાનસભા કે લોકસભાની ચૂંટણી લડાવવામાં આવે પણ અહેમદપટેલ રાજી ન થયા. પાછલી લોકસભા વખતે પણ ફૈઝલ પટેલ માટે સાનુકુળ વાતાવણ હોવા છતાં અહેમદ પટેલે પુત્રને રાજકારણમાં લોન્ચ કરવાનું મુનાસિબ માન્યું ન હતું.
પૌત્રી સાથે તેઓ કદી વડોદરા પ્લેટફોર્મ પણ જોવા મળતા તો પુત્ર સાથે ભરુચના કાર્યોની ચર્ચા કરતા હતા. સોશિયલ મીડિયામાં પુત્રવધુ અને પૌત્રી સાથેના ફોટો પણ અનેક વખત વાયરલ થયા હતા. તેમની બહેનો, પિતરાઈ ભાઈઓ મોટા ભાગે ભરુચમાં જ રહે છે. એક બહેન કેનેડામાં અને એક નવસારીમાં રહે છે. જ્યારે કાકા,માસા વગેરે આજે પણ ભરુચમાં સાદગીપૂર્ણ જીવન વિતાવે છે.
અહેમદ પટેલકોંગ્રેસના ખજાનચી હતા અને ખજાનચી તરીકે કોંગ્રેસને આર્થિક રીતે સદ્વર કરવાનું કામ તેમના માથે રહેલું હતું. દેશના બિઝનેસ ટાયકૂન સાથે અહેમદ પટેલનો ધરોબો હોય એ સ્વભાવિક છે. 130 વર્ષ જૂની પાર્ટીના ખજાનચી હોવું એટલે બિઝનેસ માંધાતાઓ સાથે તેમની નિકટતાનાં અનેક દાખલા જોવા મળે છે. ટાટાથી લઈ અંબાણી કે અદાણી કે બજાજ હોય, એ બધા અહેમદ પટેલ સાથે સીધા સંપર્ક ધરાવતા હતા. કોર્પોરેટ કલ્ચરમાં કોંગ્રેસના સૌથી મોસ્ટ અવેઈટેડ લીડર તરીકે અહેમદ પટેલનું નામ સૌથી આગળ આવતું હતું.
અહેમદ પટેલની સાદગીની વાત કરીએ તો આટલા ઉચ્ચ હોદ્દાઓ પર આસનસ્થ થયા બાદ પણ તેઓ કોઈ સિક્યોરીટી ગાર્ડ રાખતા ન હતા. સામાન્ય માણસો પણ આસાનીથી તેમને મળી શકતા હતા. મોટાભાગે રેલવેનો પ્રવાસ કરવાનું જ વધુ પસંદ કરતા હતા.
.અહેમદ પટેલે ભરુચ જેવા નાનકડા આદિવાસી વિસ્તારને દેશ અને દુનિયાના નક્શા પર મૂકી દીધું હતું. પાંચ હજાર કરોડ કરતાં પણ વધારાનું ટર્ન ઓવર કરતા ભરુચ-અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતોના પ્રેરણસ્ત્રોત અહેમદ પટેલ છે. અંકલેશ્વર આજે ઈન્ટરનેશનલ લેવલ તરી રહ્યું છે. અહેમદ પટેલના પ્રયાસો થકી આઈપીસીએલ, ઈન્ડોગલ્ફ ફર્ટીલાઈઝર, સર્ચ કેમિકલ, ડીસીએમ, દુબર કેમિકલ, શ્રીરામ પેપર મીલ, સ્વીલ, ગુજરાત બોરોસીલ, રાજેશ્રી પોલીફીલ, ઓલ ઈન્ડીયા, હિન્દુસ્તાન પોલિમર્સ એન્ડ કેમોસ, બેન્ટોન, મોર્ડન પેટ્રોકેમિકલ્સ,જીએસીએલ, ડાઈએમાઈન, ગુજરાત કેમિકલ પોર્ટ ટ્રસ્ટ, મરડીયા, કેકે પેટ્રોલિયમ વગેરે જેવી બહુરાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓએ ભરુચ-અંકલેશ્વરમાં રોકાણ કર્યું હતું.
અહેમદ પટેલની કાર્યપદ્વતિની પ્રશંસા તો વિશ્વ હિન્દુ પરિષધ અને આરએસએસના તે વખતના નેતાઓએ પણ ભરપુર કરી હતી. આ એક અલૌકિક ઘટના હતી કે હિન્દુ સંગઠનો સુદ્વાં અહેમદ પટેલની કાર્યકારિણીને બમોંફાટ વખણી હતી. સામાન્ય રીતે નેતાઓ પ્રચાર માધ્યમોની પાછળ દોડતા હોય છે ત્યારે અહેમદ પટેલ જેવા નેતાની પાછળ પ્રચાર માધ્યમો દોડતા હતા. તેમના પત્રકારો સાથે પણ અંગત સંબંધો રહ્યા હતા.
કોંગ્રેસમાં એક પ્રશ્ન સતત ચર્ચાતો રહ્યો છે કે અહેમદ પટેલ દેશભરમાં મુસ્લિમ નેતાઓની સેકન્ડ કેડર ઉભી કરી નથી. ગુજરાતમાં પણ તેમણે મુસ્લિમ નેતાઓની સેકન્ડ કેડર ઉભી કરી ન હોવાનો આરોપ થયા કરે છે.
એક નિયમ એવો છે કે કોઈ પણ નેતા પોતાન થાળીમાં સાથે જમાડશે પણ સાથે લઈને સમાંતર નેતાગીરી ક્યારેય ઉભી નહીં કરે. અહેમદ પટેલ જાણતા હતા કે પોતાના સમોવડા નેતા ઉભા થાય તો તેમની નેતાગીરીને આંચ આવી શકે. રાજનીતિના ચાણક્યનો નિયમ હોય છે કે ચાણક્ય તો એક જ હોય, આઠ-દસ ચાણક્ય હોય તો પછી જે ખરેખર ચાણક્ય છે તેનો ગ્રાસ લૂંટાઈ જાય. એટલે ચાણક્ય પણ જાણતા હતા કે જગતમાં તો ચાણક્ય એક જ હોય અને એટલે જ આજે પણ સમાજ જીવન, રાજકારણ સહિત રોજ બરોજની અનેક બાબતો અંગે ચાણક્ય નીતિની ચર્ચા કરતા રહીએ છીએ. એટલે કોંગ્રેસના ચાણક્ય પણ દ્રઢપણ માનતા હતા કે ચાણક્ય તો એકલો જ ભલો. મુસ્લિમ નેતાગીરી ઉભી નહી થઈ એની પાછળના કારણોમાં જે તે નેતાઓની રાજકારણમાં સાતત્યપૂર્ણ સક્રીયતાનો અભાવ મોટાભાગે કારણભૂત છે. ચાણક્યની સામે થાઓ તો ચાણક્ય પોતાની ચાલ ચોક્કસ રમશે અને અહેમદ પટેલે આ ચાણક્ય દાવ અજમાવ્યો એટલે તો અહેમદ પટેલને ચાણક્ય કહેવાતા હતા. પ્રથમ તો અહેસાન જાફરી ગુજરાતમાં મુસ્લિમ નેતા બન્યા. અમદાવાદ લોકસભા જીતી પણ ત્યાર બાદ રાજકારણમાં તેઓ સતત પછડાયા. ત્યાર બાદ રઉફ વલીઉલ્લાહ આવ્યા. રાજ્યસભાનાં સાંસદ બન્યા પરંતુ તેમની 1993માં લતીફ ગેંગના શાર્પશટર અબ્દુલ કુદ્દુસે ગોળી મારી હત્યા કરી દીધી હતી.ત્યાર બાદ અહેમદ પટેલ સમોવડા નેતા ગુજરાત કોંગ્રેસમાં ઉભા થયા નહીં.
1997માં અહેમદ પટેલે મારી સાથેની વિશેષ મુલાકાતમાં કહ્યું હતું કે જે પ્રકારનું તંદુરસ્ત રાજકીય વાતાવરણ હોવું જોઈએ તેને પ્રાપ્ત કરવા માટે ખાસ કરીને જે લોકો મૂલ્યનિષ્ઠ રાજકારણમાં માને છે તેમણે આગળ આવવું જોઈએ. કોંગ્રેસ પાસે પોતાની વિચારણસરણી છે, બંધારણ છે. છતાં કેટલીક વખત જૂથવાદ અને સ્વાર્થના કારણે કોંગ્રેસ કે તેના આગેવાનો જ્યારે થોડા પણ રસ્તા પર વિચલિત થયા છે ત્યારે કોંગ્રેસને હંમેશા નુકશાન સહન કરવું પડ્યું છે. કોંગ્રેસ જ્યારે પણ કમજોર થઈ છે ત્યારે તેનો ફાયદો ભારતી જનતા પાર્ટી અને અન્ય પક્ષોને થયો છે. આ શોર્ટટાઈમ ગેમ છે. તાત્કાલિક ફાયદો મેળવી લેવાની રાજનીતિને તિલાંજલિ આપવી જોઈએ. ભલે પ્રારંભમાં કોંગ્રેસને નુકશાન થાય પણ લાંબા ગાળે કોંગ્રેસને ફાયદો જ થવાનો છે.
અહેમદ પટેલે 25મી નેમ્બર-2020માં અંતિમ શ્વાસ લીધા અને આ સાથે જ તેમણે કોંગ્રેસ અને ગાંધી પરિવારના અનેક રહસ્યો લઈને હંમેશને માટે વિદાય લીધી. અહેમદ પટેલ ક્યાંય પણ સંબોધન કરવા જતા તો તેઓ અલ્લામ ઈકબાલનો એક શેર અચૂક કહેતા અને એ શેર હતો..
હઝારોં સાલ નરગીસ અપની બેનૂરી પે રોતી હૈ
બડી મુશ્કીલ સે હોતા હૈ ચમન મેં દીદાવર પૈદા
(અર્થ: નરગીસ એક ફૂલ છે, જે મોસમની માર અને ખતરાને સહન કરીને અનેક મુશ્કેલીઓ પાર કરીને એ એવી સ્થિતિમાં પહોંચે છે કે જ્યારે બાગમાં વસંત તો લોકો તેની તરફ આકર્ષાઈને ખેંચાઈ આવે. એટેલે કે આ શેર કહે છે કે કોઈ પણ રાતોરાત ઉંચાઈ પર પહોંચી શકતો નથી. પ્રખ્યાત થવા માટે શ્રમ અને ધૈર્ય રાખવાની જરુર હોય છે.)
(સંપૂર્ણ)