31 ઓક્ટોબર 1984નો કાળમુખો દિવસ હતો. ઈન્દીરા ગાંધી રાબેતા મુજબ પોતાના નિવાસેથી બહાર નીકળી રહ્યા હતા અને તેમના પર ધડાધડ ગોળીઓ છોડી દેવામાં આવી. ઈન્દીરા ગાંધી પર એટલી બધી ગોળીઓ છોડવામાં આવી કે તેનાં આંકડા જોઈને સમગ્ર દેશ સ્તબ્ધ હતો. ઈન્દીરા ગાંધીને તેમના સુરક્ષા કમાન્ડો દ્વારા 36 કરતાં વધુ ગોળીઓ મારવામાં આવી હતી.
ઈન્દીરા ગાંધીની હત્યાને ઈન્ડીયન એક્સપ્રેસ ગ્રુપના તે સમયના મુંબઈથી પ્રસિદ્વ થતાં પ્રખ્યાત ગુજરાતી દૈનિક “સમકાલીન”નાં તંત્રી હસમુખ દેસાઈએ હોનારત તરીકે ગણાવી હતી.
અહેમદ પટેલ આ ઘટનાથી હેબતાઈ ગયા હતા. આઘાતમાં હતા. તેમણે ત્યારે કહ્યું હતું કે દેશે એક લોખંડી મહિલા વડાપ્રધાન ગૂમાવ્યા છે. ઈન્દીરા ગાંધીની હત્યા બાદ 31મી ઓક્ટોબરની અડધી રાત્રે રાજીવ ગાંધીની વડાપ્રધાન તરીકે શપથવિધિ કરવામાં આવી હતી.
1984ની લોકસભાની ભવ્ય જીત પછી રાજીવ ગાંધીએ અરૂણસિંહ, અહેમદ પટેલ અને ઓસ્કર ફર્નાન્ડિઝ એમ ત્રણ યુવા નેતાઓને સંસદીય સચિવ બનાવ્યા હતા. અહેમદ પટેલ તે સમયે યુવા સાંસદ બન્યા હતા. અરૂણસિંહ, અહેમદ પટેલ અને ઓસ્કર ફર્નાન્ડિઝની યુવા ત્રિપુટીને રાજીવ ગાંધીની “અમર, અકબર, એન્થોની” તરીકે ઓળખવામાં આવી. રાજીવ ગાંધીની મનેચ્છા હતી કે કોંગ્રેસ યુવા નેતાઓનાં હાથમાં આવે. કોંગ્રેસમાં મેકઓવર કરવાની રાજીવ ગાંધીની ઈચ્છા કારગત થઈ નહીં. જૂના એટલે કે સિનિયર કોંગ્રેસીઓને આ વાત જરાય પચી નહીં. પણ રાજીવ ગાંધના સંસદીય સચિવ બન્યા બાદ અહેમદ પટેલને પોતાની સ્કીલ પુરવાર કરવાનો મોકો મળ્યો અને રાજીવ ગાંધીની ઓફીસ એટલે કે પીએમઓમાં કાર્યરત રહીને તેમણે રાજીવ ગાંધીના એડવાઈઝર તરીકેની ભૂમિકા શરુ કરી. અહેમદ પટેલ આ રીતે રાજીવ ગાંધીની સરકારમાં જોડાયા. 1977થી 2020 સુધીની રાજકીય સફરમાં અહેમદ પટેલે એક જ એવો હોદ્દો સરકારમાં સ્વીકાર્યો હતો અને તે રાજીવ ગાંધીના સંસદીય સચિવ બનવાનો. આમ તો સંસદીય સચિવનું કામ પીએમ ઓફિસની દરેક બાબતો પર મોનીટરીંગ કરવાનું અને પીએમને સલાહ-સૂચનો આપવાનું વધારે હોય છે. એક રીતે સંસદીય સચિવનો હોદ્દો રાજકીય હોય છે.
આમ તો રાજીવ ગાંધીની ઈચ્છા શરુથી જ અહેમદ પટેલને મંત્રી મંડળમાં લેવાની હતી. પરંતુ અહેમદ પટેલે બહુ જ સલુકાઈ અને પ્રેમપૂર્વક મંત્રી મંડળમાં જોડાયા નહીં અને સચિવ પદે ચાલુ રહ્યા.
રાજીવ ગાંધીનો યુવા નેતાઓને પ્રમોટ કરવાનો પ્રયોગ અડધે રસ્તે પણ પહોંચ્યો નહીં અને ખોટકાઈ ગયો. પીએમ તરીકે રાજીવ ગાંધી અમલદારશાહીના વાડાઓને તોડી પીએમઓમાં કશુંક નવા કરવા માંગતા હતા અને એટલા માટે જ ત્રણ-ત્રણ સંસદીય સચિવો બનાવ્યા હતા.
અવું કહેવાય છે કે રાજીવ ગાંધીની આ ફોર્મ્યુલા ફેલ થઈ તેની પાછળ સિનિયર કોંગ્રેસીઓનો રોષ એક કારણ છે પણ બીજું દેખીતું કારણ આ ત્રણેય નેતાઓ પાસે પીએમઓમાં બેઠેલા શક્તિશાળી આઈએએસ અધિકારીઓ પાસેથી કામ લેવાનાં વહીવટી અનુભવનો અભાવ હતો. પરંતુ અહેમદ પટેલે અમર અને એન્થોનીને પાછળ ધકેલી દીધા હતા અને રાજીવ ગાંધીના પ્રિય બન્યા હતા.
ભલે રાજીવ ગાંધીની ફોર્મ્યુલા ફેલ થઈ પણ અહેમદ પટેલે ટૂંકાગાળા દરમિયાન પણ રાજીવ ગાંધીના દિલમાં આગવું સ્થાન હાંસલ કરી લીધું અને એટલે જ તેઓ ગાંધી ફેમિલીના ટોટલ ફેમિલિયર બનતા ગયા.
રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા અને કોંગ્રેસના અધ્યક્ષ તરીકે પણ કાર્યરત હતા. રાજીવ ગાંધીને અહેમદ પટેલના સંસદીય સચિવ તરીકે પીએમઓમાં કામ કરવાની ત્રેવડનો અનુભવ થયો હતો એટલે તેમણે અહેમદ પટેલને ગુજરાત મોકલવાનો નિર્ણય કર્યો.