કોંગ્રેસના ચાણક્ય અહેમદ પટેલની નીતિ રહી હતી કે દુશ્મનને પણ દુશ્મન નહીં ગણવાનો અને ગૂંચને હળવે હાથે ઉલેચી નાંખવાની. બીજો ગુણ એ હતો કે તેમણે ક્યારેય પણ હારનો ટોપલો કે જીતનું શ્રેય પોતાના માથે લીધું ન હતું. જીત હોય તો પણ એ અહેમદ પટેલની ન હોય અને હાર પણ હોય તો અહેમદ પટેલની ન હોય.
ચોગઠા ગોઠવવામાં અહેમદપટેલ પાવરધા હતા અને એટલે જ અન્ય નેતાઓ કરતાં તેઓ જુદા બન્યા. જ્યારે રાજીવ ગાંધીએ અહેમદ પટેલને ગુજરાતનો હવાલો સોંપ્યો ત્યારે ગુજરાતમાં ડો.મહિપત મહેતા, માધવસિંહ સોલંકી, ઝીણાભાઈ દરજી, પ્રબોધ રાવળ, સનત મહેતા અને અમરસિંહ ચૌધરી જેવા દિગ્ગજ નેતાઓનો સુવર્ણકાળ હતો. આ નેતાઓની વચ્ચે 36 વર્ષીય અહેમદ પટેલને ગુજરાતની કમાન સોંપવામાં આવી. યુવા નેતાનો તરવરાટ હતો. અહેમદ પટેલે ગુજરાતના સંગઠનમાં પગપેસારો કર્યો અને કોંગ્રેસના ધૂરંધર નેતાઓના પેગડામાં પગ મૂક્તાં જ નેતાઓ શિયાંવિયાં થઈ ગયા.
અવ્વલ તો માધવસિંહ સોલંકી સહિતના નેતાઓને અહેમદ પટેલની ગુજરાત કોંગ્રેસ પ્રમુખ પદે થયેલી નિયુક્તિ પચી રહી ન હતી. માધવસિંહ સોલંકી અને અહેમદ પટેલ વચ્ચે તણખા ઝરવાના શરુ થઈ ગયા. બીજી તરફ ઈંદીરા ગાંધીની હત્યા બાદ ઝીણાભાઈ દરજીની કોંગ્રેસમાં હાક અને ધાક ઓછી થઈ રહી હતી. જોકે, 20 મુદ્દા અમલીકરણ સમિતિની ચેરમેન હોવાના કારણે ઝીણાભાઈ દરજી રાજકારણમાં અડીખમહતા. માધવસિંહ સોલંકીના સમયમાં જ્યારે અનામત વિરોધી આંદોલન(1981) થયું તો તેમણે મુખ્યમંત્રી પદેથી વિદાય લેવાનો વારો આવ્યો. માધવસિંહની સરકારમાં ઝીણાભાઈ દરજી પોતાના માનીતા નેતાઓને મંત્રી પદ અપાવવામાં સફળ થયા હતા તો માધવસિંહ બાદ સુરત જિલ્લાના આદિવાસી નેતા અમરસિંહ ચૌધરીને મુખ્યમંત્રી બનાવવામાં સફળ રહ્યા હતા.
ઝીણાભાઈ દરજી કોંગ્રેસના એવા નેતા હતા કે જેમણે અનેકને નેતાઓ બનાવ્યા અને સાથો સાથ ઉપરી નેતાઓ સાથે કદી પણ બગાડ્યું નહીં. ઝીણાભાઈ દરજીએ અહેમદ પટેલ સાથે પણ આવી જ નીતિ અનુસરી. ઝીણાભાઈ દરજીનો રાજકીય પાયો સુરત હતું. સુરત જિલ્લા પંચાયત હોય કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કે વિધાનસભા કે લોકસભા માટે ઉમેદવારની પસંદગી કરવાની હોય ઝીણાભાઈ દરજીની ભૂમિકા દરેક જગ્યાએ હંમેશ મહત્વની રહી હતી.
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બનતાં અહેમદ પટેલ માટે સિનિયર કોંગ્રેસી નેતાઓએ બાંયો ચઢાવવાનું શરૂ કરી દીધું. કોંગ્રેસના સિનિયર નેતાઓને લાગતું હતું કે અહેમદ પટેલ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ પદે ચાલું રહેશે તો ભવિષ્યમાં મુખ્યમંત્રી પદની દાવેદારીમાં સૌથી અગ્રીમ આવી જશે. એટલે અહેમદ પટેલ વિરોધી અને અહેમદ પટેલ સમર્થિત જૂથનો અહીંથી પ્રારંભ થયો. ગુજરાત કોંગ્રેસમાં અહેમદ યુગ શરુ થયો.
અહેમદ પટેલના કાર્યકાળમાં ઢોરો માટે ઘાસચારાની તંગીને નિવારવા માટે અમદાવાદ અને સુરતમાં અમિતાભ બચ્ચનના ચેરીટી શો કરવામાં આવ્યા હતા. અહેમદ પટેલના કહેવાથી અમિતાભે અમદાવાદ અને સુરતમાં શો કર્યા હતા અને ઘાસચારા માટે ફંડ એકત્ર કરવામાં આવ્યું હતું.
અહેમદ પટેલ સડસડાટ રાજકારણની સીડીઓ ચઢી રહ્યા હતા. તેમણે સમગ્ર ગુજરાતમાં નવી ટીમ બનાવી નાંખી હતી. આનાથી સિનિયર નેતાઓ ખાસ્સા એવાં વંકાયા હતા પણ સિનિયર નેતાઓને પણ વશમાં લેવાની કૂનેહ અહેમદ પટેલ પાસે હતી અને તેમણે તે સમયે સિનિયર નેતાઓને સમજાવી લઈ વિરોધ કરતાં અટકાવી દીધા હતા અથવા તો એમ કહો કે સિનિયર નેતાઓના વિરોધને ઢેબે ચડાવી દીધો હતો અને ગણકાર્યા વિના નવી ટીમ બનાવી હતી. અર્જુન મોઢવડીયા, શક્તિસિંહ ગોહીલ, નરેશ રાવળ, ગૌરવ પંડ્યા, તુષાર ચૌધરી,સી.કે.પીઠાવાળાથી લઈ પરેશ ધાનાણી સુધી નેતાઓના નામો ગણવા પડે. આમ તો અનેક નામો ગણાય પણ મહત્વના નામો છે જે ગણ્યા ગણાય નહીં. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં હેમાંગ વસાવડા પણ અહેમદ પટેલના વિશ્વાસુ હતા.
આમ તો સૌરાષ્ટ્રમાં મનોહરસિંહ જાડેજા સાથે ફાવ્યું નહીં પણ એક કાર્યક્રમાં મનોહરસિંહ જાડેજા પોતાની અસ્સલ રાજવી સ્ટાઈલમાં બેઠાં હતા અને અહેમદ પટેલ આવ્યા ત્યારે તેમને માન સન્માન આપ્યું નહીં. અહેમદ પટેલ ત્યારે તો કોઈ રિએક્શન આપ્યા ન હતા પણ ત્યાર બાદ મનોહરસિંહ જાડેજા 6 વાર ચૂંટણી લડ્યા અને એક પણ વખત જીત્યા ન હતા એ ઈતિહાસ છે.
મોરબી પાસે આવેલા રફાડેશ્વર ઢોરવાડ માટે ઘાસચારાને લઈ કોંગ્રેસના અનેક નેતાઓ સામે આક્ષેપોની ભરમાર થઈ. અહેમદ પટેલ આ કાંડથી ખૂબ જ નારાજ થયા હતા અને તેમણે રાજીવ ગાંધી સમક્ષ દિલ્હી પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરી. રાજીવ ગાંધીની ઈચ્છા હતી કે અહેમદ પટેલ ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત કરે પણ જૂથબંધી સળગતો મુદ્દો બની ગઈ. ગુજરાત કોંગ્રેસ સ્પષ્ટ રીતે અહેમદ પટેલ અને માધવસિંહ સોલંકી એમ બે ગ્રુપમાં દેખાવા લાગી. કચવાટ, આંતરવિગ્રહ અને યાદવાસ્થળી ભડકી રહી હતી. અહેમદ પટેલ આનાથી સખત નારાજ હતા. આવી સ્થિતમાં 1985માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી.. ચૂંટણી આવે તે પહેલાં અહેમદ પટેલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું અને પોતાની ઈચ્છા મુજબ તેઓ દિલ્હી પરત થયા.
(ક્રમશ:)