ગુજરાત કોંગ્રેસ પ્રમુખનો કાર્યભાર છોડે તે પહેલાં અહેમદ પટેલ સાથે અમરસિંહ ચૌધરીની ઠરી ગઈ હતી. અહેમદ અને માધવસિંહ સોલંકી વચ્ચેનું રાજકીય યુદ્વ દ્વંદ્વ બન્યું તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે અહેમદ પટેલ સામે પાછળથી અમરસિંહ ચૌધરી પણ અહેમદ પટેલ માટે એક પડકાર બની ઉભરી આવ્યા. સંગઠનમાં અહેમદ પટેલે કોઈની સાડાબારી રાખી ન હતી. સૌરાષ્ટ્રથી લઈ અમદાવાદ સુધી અને અમદાવાદથી લઈ વલસાડ સુધી દરેક જગ્યાએ નવી ટીમ ઉભી કરી દીધી. અનામત વિરોધી આંદોલનની આગ એટલી ઝડપથી ગુજરાતમાં ફેલાઈ કે તેમાં મુખ્યમંત્રી તરીકે માધવસિંહ સોલંકીનો ભોગ લેવાયો. સોલંકીકાળમાં ગુજરાત સમાચાર બાળવાની ઘટનાએ બળતામાં ઘી હોમ્યુ હતું.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે અહેમદ પટેલ અમરસિંહ ચૌધરી સામે સીધો હૂમલો કર્યો હતો. માધવસિંહ સોલંકીના અનુગામી બનેલા અમરસિંહ ચૌધરીના અત્યંત વફાદાર અને હાલના વેવાઈ સહદેવ ચૌધરીને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવાનો ઓર્ડર કર્યો હતો સહદેવ ચૌધરીની સામે પાર્ટીની શિસ્તભંગ અંગે કાર્યવાહી કરવામાં આવી હતી.
અમરસિંહ ચૌધરીએ આનો જવાબ મોરબીના રફાડેશ્વરમાં દુષ્કાળની સ્થિતિ અને પાણીની અછતને લઈ ગુજરાત કોંગ્રેસ દ્વારા ઢોરવાડ ચલાવવામાં આવતો હતો. ઢોરો માટે ઘાસચારાનું ફંડ એકત્ર કરવામાં આવતું અને સરકારની સબસીડી પણ મેળવવામાં આવતી હતી.
અમરસિંહ ચૌધરીએ રાજકોટના તે વખતના કલેક્ટર આર.ટક્રુને રફાડેશ્વર ઢોરવાડમાં દરોડા પાડવાનો ઓર્ડર કર્યો. કલેક્ટર ટક્રુએ મોટાપાયા પર નાણાકીય ગેરરિતીનો કેસ કર્યો.પીસીસી દ્વારા ગઠીત થયેલા ટ્રસ્ટ દ્વારા ઢોરવાડનું સંચાલન કરવામાં આવતું હતું.
આમાં વાડીલાલ કામદાર સાથે અહેમદ પટેલ ટ્રસ્ટી હતા. વાડીલાલ કામદારે પોતાની જ સરકાર તરફથી મૂકાયેલા આરોપોને નકારી કાઢ્યા હતા. પરંતુ અહેમદ પટેલ ખફા થયા હતા. અમરસિંહ ચૌધરીની માંગ હતી કે સહદેવ ચૌધરીનું સસ્પેન્શન રદ્દ કરવામાં આવે પણ અહેમદ પટેલ પોતાની તલવારને મ્યાન કરવા તૈયાર ન હતા. સહદેવ ચૌધરીના સસ્પેન્શન પર અહેમદ પટેલ અડગ હતા. ખટરાગ વધતો જોઈ રાજીવ ગાંધીએ રાષ્ટ્રીય પ્રમુખ તરીકે પ્રથમ અમરસિંહ ચૌધરી અને બાદમાં અહેમદ પટેલને દિલ્હી તેડાવ્યા હતા.
સુરત જિલ્લા પંચાયતનો ઝઘડો દિલ્હી પહોંચ્યો હતો. સહદેવ ચૌધરીએ સુરત જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના મેન્ડેડ વિરુદ્વ પોતાના માણસોને નેતા અને ઉપનેતા બનાવ્યા હતા. જ્યારે ગુજરાત કોંગ્રેસે ઝીણાભાઈ દરજીના વિશ્વાસુ ગોવિંદ વસાવાને પ્રમુખ બનાવવાનો મેન્ડેડ આપ્યો હતો. ગોવિંદ વસાવાનો અમરસિંહ-સહદેવ ચૌધરી જૂથે બહિષ્કાર કર્યો હતો. આ ઘટનાથી અહેમદ પટેલને સહદેવ ચૌધરીને પક્ષમાંથી હાંકી કાઢવા સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો ન હતો.
અમરસિંહ ચૌધરી સારી રીતે જાણતા હતા કે દાવપેચમાં સહદેવ ચૌધરીની હકાલપટ્ટી કોંગ્રેસ માટે અનિવાર્ય હતી પણ તેઓ અહેમદ પટેલના વર્ચસ્વ સમક્ષ લાચાર હતા.
અહેમદ પટેલે અમરસિંહ ચૌધરી અને સહદેવ ચૌધરીને જરા પણ મચક આપી નહી તો અમરસિંહ ચૌધરીએ તે વખતના કૃષિ રાજ્યમંત્રી યોગેન્દ્ર મકવાણાનો આશરો લીધો. યોગેન્દ્ર મકવાણા સાથે અમરસિંહ ચૌધરી દિલ્હી ગયા અને તે વખતના કોંગ્રેસના મહાસચિવ રામ રતમ રામ સમક્ષ રજૂઆત કરી કે સહદેવ ચૌધરીનું સસ્પેન્શન ન્યાયિક નથી. રામ રતમ રામે સહદેવ ચૌધરીને ખુલાસો કરવા બોલાવ્યા અને તેમને સાંભળીને તે જ દિવસે તેમનું સસ્પેન્શન રદ્દ કરતો લેટર આપ્યો.
અહેમદ પટેલને અમરસિંહ ચૌધરીની ગતિવિધિઓની ગંધ આવી ગઈ. સહદેવ ચૌધરીના સસ્પેન્શન અંગે વડાપ્રધાનની મંજુરી માંગવામાં આવી હતી તેઓ તાત્કાલિક અમદાવાદ પાછા આવ્યા અને સહેદવ ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની જાહેરાત કરી તો સુરતમાં સહદેવ ચૌધરીએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી રામ રતન રામનો લેટર જાહેર કર્યો.
અહેમદ પટેલે પણ મચક નહીં આપવાની કસમ ખાધી હતી. તેમણે કોંગ્રેસના વરિષ્ઠ મહાસચિવ જીકે મૂપનારનો સંપર્ક કર્યો અને રામ રતન રામ દ્વારા ઈશ્યુ કરાયેલા લેટરની વાત કરી. જીકે મૂપનાર ગુજરાત આવ્યા અને તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે સહદેવ ચૌધરીનું સસ્પેન્શન માન્ય છે. મૂપનારની એન્ટ્રી રામ રતન રામ ગભરાઈ ગયા હતા.
આ સમયે અહેમદ પટેલને માધવસિંહ સોલંકીનો સાથ મળ્યો હતો. માધવસિંહ સોલંકીએ અહેમદ પટેલને સાથ આપ્યો અને અમરસિંહ ચૌધરી-મકવાણાની સામે પાછલા બારણેથી બાંયો ચઢાવી. કહેવાય છે ને કે દુશ્મનનો દુશ્મન મિત્ર હોય છે. અહેમદ પટેલ અને માધવસિંહે હાથ મિલાવ્યા. સાથ મળ્યો ઝીણાભાઈ દરજીનો.આનું પરિણામ એ આવ્યું કે બારડોલી અને વ્યારા જેવા ઝીણા દરજી અને અમરસિંહ ચૌધરીના હોમ ટાઉનમાં પંચાયતોની ચૂંટણીમાં કોંગ્રેસને મોટું નુકશાન થયું.
અહેમદ પટેલ કોઈ પણ સંજોગોમાં સહદેવ ચૌધરીને લઈ સમાધાન કરવાના મૂડમાં ન હતા. આખરે રાજીવ ગાંધી વચ્ચે પડ્યા અને અહેમદ પટેલ અને અમરસિંહ ચૌધરી વચ્ચે હંગામી સુલેહ કરાવવામાં સફળ રહ્યા હતા. રાજીવ ગાંધીની દખલ હોવા છતાં પણ અહેમદ પટેલ આકરી શરત સાથે સસ્પેન્શન રદ્દ કર્યું. શરત હતી કે સહદેવ ચૌધરીએ કોંગ્રેસ પક્ષ દ્વારા અપાતા તમામ નિર્દેશોનું પાલન કરવાનું રહેશે.