કોંગ્રેસમાં અહેમદ પટેલે સંગઠનને જ વધુ મજબૂત બનાવવાનું બીડું ઝડપ્યું હતું. સરકારમાં નહીં રહીને પણ પાવર પોલિટીક્સ કોને કહેવાય તે અહેમદ પટેલે કરીને બતાવ્યું હતું. રાજીવ ગાંધી બમ્પર બહુમતિ સાથે વડાપ્રધાન બન્યા. રાજીવ ગાંધીની પણ ઈચ્છા હતી કે અહેમદ પટેલ મંત્રી મંડળમાં જોડાય પરંતુ તેમણે યુવક કોંગ્રેસની કમાન સંભાળી.સાથો સાથ તેમની વરણી કોંગ્રેસ વર્કીંગ કમિટીમાં પણ કરવામાં આવી. જેમાં તેઓ મરણાંત સુધી રહ્યા. 1985માં બમ્પર જીત બાદ રાજીવ ગાંધી સરકાર સામે એક પછી એક આંદોલન, દુર્ઘટનાઓની ભરમાર શરુ થઈ ગઈ હતી.
શીખ વિરોધી રમખાણો, બોફોર્સ, શાહબાનો કેસ, ભોપાલ ગેસ ડિઝાસ્ટરથી કોંગ્રેસ સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો. શ્રીલંકામાં પીસ મિશન મોકલ્યું પણ છતાં ચૂંટણીમાં ફાયદો ન થયો. રાજીવ ગાંધી માટે કપરો સમયકાળ હતો અને એવામાં 1989માં ચૂંટણી આવી અને કોંગ્રેસની હાર થઈ.
વીપીસિંહની સરકાર રચાણી. રાજીવ ગાંધી અને અહેમદ પટેલે આ વીપીસિંહની સરકારને ખીચડી સરકાર નામ આપ્યું. વીપીસિંહને ભાજપે ટેકો આપ્યો. મંડલ કમિશનની અનામત અંગે ભલામણનો સ્વીકાર કરવામાં આવ્યો તો દેશભરમાં આંદોલનો શરુ થયા તો વીપીસિંહને ટેકો આપનારા ભાજપે અડવાણીના નેતૃત્વમા રામ રથ યાત્રા શરુ કરી. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ મટે રામ રથ યાત્રાનું નેતૃત્વ કરતા અડવાણની સમસ્તીપુર ખાતે ધરપકડ કરવામાં આવી અને ભાજપે વીપીસિંહની આગેવાની નેશનલ ફ્રન્ટની સરકારને આપેલો ટેકો પાછો ખેંચ્યો. વીપીસિંહની વિદાય થતાં કોંગ્રેસના ટેકાથી ચંદ્રશેખરની સરકાર બની.
રાજીવ ગાંધીની જાસુસી કરવાના આરોપસર કોંગ્રેસ ચંદ્રશેખર સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો અને સરકાર પડી ગઈ. મધ્યાવધિ ચૂંટણી આવી પડી. રાજીવ ગાંધી પ્રચારના કાર્યોમાં લાગ્યા. આ બધાની વચ્ચે અહેમદ પટેલ કોંગ્રેસને ફરીથી સત્તામાં લાવવાના પ્રયાસોમાં લાગી ગયા હતા.
21 મે, 1991ની રાત્રે શ્રીપેરામ્બદુરમાં આત્મઘાતી હુમલામાં રાજીવ ગાંધીની નિર્મમ હત્યા કરી દેવામાં આવી. અહેમદ પટેલ આઘાતમાં સરી ગયા. અહેમદ પટેલ કહ્યું હતું કે ભારતે એક સ્વપ્નદ્રષ્ટા ગુમાવ્યા છે, જેઓ સ્વપ્નને હકીકતનું રુપ આપતા હતા. કોંગ્રેસમાં માતમ સાથે સન્નાટો હતા. પક્ષને સંભાળવાની જવાબદારી રાજીવ ગાંધી એટલે કે ગાંધી પરિવારના વફાદારો પર આવી. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી નાના હતા. સોનિયા ગાંધી આઘાતને ઝીરવી શક્યા ન હતા. આવી સ્થિતિમાં અહેમદ પટેલે ગાંધી પરિવારની પડખે રહીને હૂંફ, સાંત્વના અને હિંમત આપવાનું કામ કર્યું.
કોંગ્રેસને સંપૂર્ણ બહુમતિ મળી નહીં પણ ફરી એક વાર ટેકાવાળી લધુમતિ સરકાર બની અને નરસિંહ રાવ પર કોંગ્રેસની વર્કીંગ કમિટીએ પસંદગીનો કળશ ઢોળ્યો. નરસિંહ રાવે પણ અહેમદ પટેલને માનવ સંસાધન મંત્રી બનાવવાની પેશકશ કરી હતી અને અહેમદ પટેલનો પરંપરાગત જવાબ એ રહ્યો હતો કે સંગઠનનું કામ કરીશ. નરસિંહ રાવે અહેમદ પટેલને વધારે છંછડ્યા નહીં. રાષ્ટ્રીય પ્રમુખ તરીકે સીતારામ કેસરી હતા. સીતારામ કેસરીએ અહેમદ પટેલને ખજાનચી(કોષાધ્યક્ષ) બનાવ્યા.
અહેમદ પટેલ બન્યા તો કોષાધ્યક્ષ પણ તેમની નજર દરેક બાબતો પર રહેતી હતી. કોષાધ્યક્ષ કરતાં પણ અહેમદ પટેલ પાસે એક રીતે કોંગ્રેસમાં કોને ક્યાં મૂકવા અને કોને ક્યાં નહીં મૂકવા તેની સંપૂર્ણ ગણતરી હતી. તેમની એક જ નીતિ બની કે કોંગ્રેસનું અહિત કરનારને ક્યારે ચલાવી નહીં લેવો અને કોંગ્રેસ માટે કામ કરનારની કદર કરવી.
સીતારામ કેસરીએ જ્યારે નરસિંહ રાવની કાર્યપદ્વતિ સામે અર્જુનસિંહ સાથે બાંયો ચઢાવી તો અહેમદ પટેલે સીતારામ કેસરીનાં બદલે નરસિંહ રાવ સાથે જ રહેવાનું પસંદ કર્યું. નરસિંહ રાવ સરકાર વખતે બાબરી મસ્જિદ ધ્વંશ કરવામા આવી. કોંગ્રેસમાં ઘણું બધું ઉપર તળે થઈ રહ્યું હતું અને અહેમદ પટેલ બીજી તરફ ગાંધી પરિવારને ફરીથી સક્રીય કરવા માટેના પ્રયત્નો લાગી ગયા. બાબરી મસ્જિદ ધ્વંશ થઈ ત્યારે અહેમદ પટેલ શું કરતાં હતા એ પ્રશ્ન અનેક નેતાઓ અને મીડિયા દ્વારા પૂછવામાં આવ્યો.
(ક્રમશ:)