1998માં રચાયેલી વાજપેયી સરકાર દ્વ્રારા ધડાધડ નિર્ણયો લેવામાં આવી રહ્યા હતા. નરસિંહ રાવે વડાપ્રધાન પદ ગૂમાવ્યું અને તેઓ ત્યાર બાદ રાજનીતિ ક્યાંય જોવા મળ્યા નહીં. નરસિંહ રાવને કોંગ્રેસે સદંતર પડતા મૂક્યા અને નવેસરથી કોંગ્રેસને ફરી એક વાર બેઠી કરવાની યોજના બનવા લાગી.
આમ તો કોંગ્રેસ વર્કીંગ કમિટી(સી ડબ્લ્યુસી)માં 25 પદાધિકારીઓ હોય છે પરંતુ આખરી નિર્ણય પ્રમુખનો હોય છે. વાજપેયી સરકાર સામે કોંગ્રેસે મોરચો ખોલ્યો તો કોંગ્રેસને ગાંધી કુટુંબ ફરી યાદ આવ્યું. અહેમદ પટેલની ગાંધી પરિવાર પ્રત્યેની વફાદારી અંગે ગાંધી ફેમિલીને જરાય શંકા ન હતી તો કોંગ્રેસ પ્રત્યેની વફાદારીને પણ ગાંધી ફેમિલી સુપેરે ગઈ હતી. ખુદ અહેમદ પટેલ પણ એ વાત સારી પેઢે જાણતા હતા કે તેઓ પોતે પણ લોકસભાની ચૂંટણી લડે તો પણ ભરુચમાંથી હારી જાય એવી રાજકીય સ્થિતિ છે.
અહેમદ પટેલ સહિતના કોંગ્રેસીઓ દ્રઢપણે માનતા હતા કે કોંગ્રેસનો ઉદ્વાર ગાંધી પરિવાર સિવાય નથી. કોંગ્રેસમાં માસ અપીલ ધરાવતા નેતાનો અભાવ હતો, અરે એમ કહો કે કારમી તંગી હતી. ઈદીરા ગાંધી, રાજીવ ગાંધીની હત્યા બાદ કોંગ્રેસની કેડ ભાંગીને ભૂક્કો થઈ રહી હતી અને આવામાં ગાંધી પરિવાર જ એક એવો આધાર હતો જે કોંગ્રેસને પનોતીકાળમાંથી બહાર કાઢી શકે એમ હતો.
અહેમદ પટેલે સોનિયા ગાંધીને રાજકારણમાં સક્રીય કરવાની ગાંઠ વાળી. સોનિયા ગાંધીને કોંગ્રેસના પ્રમુખ બનાવવા માટે તેમણે કોંગ્રેસ વર્કીંગ કમિટી સમક્ષ વિચાર મૂક્યો. સોનિયા ગાંધી પણ કંઈ રાતોરાત પ્રમુખ બનાવ તૈયાર ન થયા. પ્રથમ તો સોનિયા ગાંધીને હિન્દીને લઈ પ્રોબ્લેમ થવાનો હતો. હિન્દીનું પ્રશિક્ષણ અગાઉથી મેળવેલું હતું પણ ભાષણમાં હિન્દી બોલવા માટે તેમણે વધારાનું હોમવર્ક કર્યું. અહેમદ પટેલની જવાબદારી વધી અને તેમણે પોતાની જાતને ગાંધી પરિવારને સમર્પિત કરી દીધી. 1997માં તેમણે આપેલા ઈન્ટરવ્યુમાં પણ આ વાત કહી હતી કે હું ગાંધી પરિવાર અને કોંગ્રેસનો વફાદાર છું અને રહીશ. અહેમદ પટેલે મરણાંત સુધી આ કોલને પાળીને બતાવ્યું.
ભારે મથામણ બાદ 1998માં સીતારામ કેસરીની જગ્યાએ સોનિયા ગાંધીએ કોંગ્રેસ પ્રમુખ બનવાનું સ્વીકાર્યું અને અહેમદ પટેલ તેમના રાજકીય સલાહકાર બન્યા. સોનિયા ગાંધીને અહેમદ પટેલે રાજકીય દાવપેચ શીખવાડ્યા તો સાથો સાથ કોંગ્રેસના સંગઠનનાં બેકડોરથી સર્વેસર્વા બની ગયા. સોનિયા ગાંધી એમ કહે કે વિલ ટેક ડિસીઝન તો કોંગ્રેસના નેતાઓ સમજી જતાં હતા કે અહેમદ પટેલને પૂછ્યા વિના નિર્ણય લેવાશે નહીં.
સોનિયા ગાંધી પ્રમુખ બન્યા અને અહેમદ પટેલ સહિત સમગ્ર કોંગ્રેસ વાજપેયી સરકાર સામે નવા જોશ સાથે મેદાનમાં ઉતરી. નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી અડવાણીએ શાઈનીંગ ઈન્ડીયાનો નારો આપ્યો તો કોંગ્રેસે આ નારાની સામે જલદ આંદોલન શરૂ કર્યું. વાજપેયી સરકાર સાથે અહેમદ પટેલને ઝાઝું ફાવ્યું ન હતું. એક પાર્લામેન્ટેરીયન તરીકે પણ અહેમદ પટેલનાં વાજપેયી તથા અડવાણી સાથે ઝાઝા સંબંધો રહ્યા ન હતા.
1998થી 2004 સુધી વાજપેયી સરકાર ચાલી અને કોંગ્રેસને બેઠી કરવામાં સોનિયા ગાંધીની સાથે અહેમદ પટેલનું યોગદાન અવિસ્મરણીય રહ્યું. 2004માં યુનાઈટેડ પ્રોગ્રેસીવ અલાયન્સ(યુપીએ)ની રચના થઈ અને વિપક્ષોએ એકજૂટ થઈને ચૂંટણી લડી. 2004ની ચૂંટણીમાં ભાજપની હાર થઈ અને કોંગ્રેસ સત્તામાં આવી.
અહેમદ પટેલે ભાજપ સામે વિપક્ષોને એકજૂટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. યુપીએ સરકારમાં બેકડોરથી અહેમદ પટેલ પાવર હાઉસ બન્યા હતા તો સાથો સાથ સંગઠનમાં પણ અહેમદ પટેલ સુપ્રીમ પાવર ભોગવતા હતા. ક્રેસન્ટ રોડ પર તે સમયે દેશના મંત્રીઓ, મુખ્યમંત્રીઓની ગાડીઓની લાઈન લાગતી હતી. મંત્રીઓ અને નેતાઓએ પણ અપોઈન્ટમેન્ટ લેવી પડે તેવી સ્થિતિ સર્જાણી હતી. અહેમદ પટેલ તો પણ ખૂબ જ લો-પ્રોફાઈલમાં રહીને કામ કરી રહ્યા હતા.
મહત્વની વાત એ હતી કે મનમોહનસિંહનું નામ વડાપ્રધાન તરીકે ક્યાંય ચર્ચામાં ન હતું. કોંગ્રેસમાં એક માત્ર સોનિયા ગાંધીના નામની જ ચર્ચા હતી કે તેઓ જ વડાપ્રધાન બનશે. પરંતુ બંધારણની જોગવાઈએ સોનિયા ગાંધીને વડાપ્રધાન બનતા અટકાવ્યા. બંધારણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ભારતમાં જ જન્મેલી વ્યક્તિ ભારતમાં વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને અન્ય મહત્વના અને સંવેદનશીલ હોદ્દાઓ પર બિરાજી શકે છે.
બંધારણની જોગવાઈ જોતાં સોનિયા ગાંધીનું વડાપ્રધાન બનવું અસંભવ હતું તો અહેમદ પટેલે સોનિયા ગાંધીએ વડાપ્રધાન પદનો ત્યાગ કર્યો, બલિદાન આપ્યું હોવાનું જણાવી સોનિયા ગાંધીને ત્યાગ અને બલિદાનની મૂર્તિ તરીકે પ્રસ્થાપિત કરી.
મનમોહનસિંહ બાદ બીજું નામ ચર્ચામાં આવ્યું તે શરદ પવારનું હતું. શરદ પવારની ઈચ્છા હતી કે કોંગ્રેસ હાઈકમાન્ડ તેમને વડાપ્રધાન બનાવે પણ સોનિયા ગાંધીનું નામ ચર્ચામાં આવતાં જ શરદ પવારે વિદેશી કૂળનો મુદ્દો ઉભો કર્યો અને કોંગ્રેસમાંથી બળવો કરીને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(એનસીપી)ની રચના કરી. કોંગ્રેસીઓ પણ માનતા હતા કે શરદ પવાર વડાપ્રધાન બનવા માટે લાયક હતા પણ સોનિયા ગાંધીનો વિદેશ કૂળનો મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ઉભો કરીને શરદ પવારે પગ પર કૂહાડી મારી હતી. આ સમયે પણ અહેમદ પટેલે પોતાના જૂના અને ખાસ મિત્ર શરદ પવારના બદલે ગાંધી પરિવારની પડખે રહેવાનું જ વલણ અપનાવ્યું હતું.
બીજી એક વાત જે કોંગ્રેસમાં સતત ચર્ચાતી રહી કે શરદ પવારને વિદેશ કૂળનો મુદ્દે બળવો કરવા અહેમદ પટેલે જ ગાઈડ કર્યા હતા પણ આ વાતમાં નક્કરતા એટલા માટે નથી કે સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર બન્યા બાદ અહેમદ પટેલ જાતે જ સોનિયા ગાંધી સામે બળવો કરવા માટે શા માટે શરદ પવારને ઉશ્કેરે? જો ઉશ્કેર્યા હોત તો અહેમદ પટેલ ગાંધી પરિવારથી ક્યારનાંય દુર થઈ ગયા હોત.
(ક્રમશ:)