કેન્દ્રમાં યુપીએ વન અને યુપીએ-ટૂની સરકાર બની પણ ગુજરાતમાં ચાણક્ય નામે અહેમદ પટેલ હોવા છતાં પચ્ચીસ પચ્ચીસ(રિપીટ પચ્ચીસ) વર્ષ સુધી કોંગ્રેસ કેમ જીતી શકી નહી? શું આમાં ચાણક્ય નામે અહેમદ પટેલની કોઈ ચાલ હતી? રાજકીય ગણતરી હતી? ભાજપ સાથેની કોઈ તડજોડ હતી? આવા અનેક પ્રશ્નો ચર્ચાતા રહ્યા છે.
અગાઉ લખાયું તેમ કોંગ્રેસ ગુજરાત સ્તરે કોંગ્રેસ 1985ના ભવ્ય વિજય બાદ ત્રણ જૂથોમાં વહેંચાઈ ગઈ હતી. અહેમદ પટેલ, અમરસિંહ ચૌધરી અને પાછળથી માધવસિંહ સોલંકી જૂથ. આ ત્રણ જૂથોમાં કોંગ્રેસની યાદવાસ્થળી બરાબરની જામી હતી. હાલ રાજસ્થાનમાં આવું જ કંઈ ચાલી રહ્યું છે. અશોક ગેહલોત વર્સીસ સચિન પાયલોટના સંઘર્ષમાં રાજસ્થાનમાં કોંગ્રેસના પનોતીકાળનો પ્રારંભ થયો હતો. જે પ્રકારે અમરસિંહ ચૌધરીના સમયમાં અહેમદ પટેલને ભીંસમાં લેવા રફાડેશ્વર ઢોરવાડમાં દરોડાની કાર્યવાહી કરાઈ તેવી જ રીતે સચિન પાયલોટ સામે રાજદ્રોહની એફઆઈઆર થઈ અને રાજસ્થાનમાં કોંગ્રેસ ઉપરતળે થવા માંડી. ત્રણેક દિવસ પહેલાં પંચાયતના પરિણામો આ વાતના દ્યોતક બન્યા છે.
ખૈર આપણે વાત ગુજરાતની કરવાની છે. ગુજરાતમાં પાછલા 25 વર્ષથી કોંગ્રેસની કેમ ઠાટડી જ નીકળી રહી છે? અહેમદ પટેલની ગુજરાતનાં સંગઠનમાં સીધી દખલગીરી રહેતી હતી. તેઓ પાછલા પંદર વર્ષથી લાગલગાટ કોંગ્રેસના સુપર પાવર હતા. તો શું તેમણે ગુજરાતમાં કોંગ્રેસને શાસનમાં લાવવાની કોઈ બ્લ્યુપ્રિન્ટ જ તૈયાર કરી ન હતી? કેશુભાઈના સાડા ત્રણ વર્ષ, નરેન્દ્ર મોદી સરકારના સાડા બાર વર્ષ. આનંદીબેનના પોણા ત્રણ વર્ષ અને હવે 2016થી વિજય રુપાણીની સરકાર. આટલા લાંબા સમયગાળા સુધી અહેમદ પટેલે ગુજરાતમાં સત્તા હાંસલ કરવા કરતાં કેન્દ્રમાં સત્તા હાંસલ કરવા પર વધારે જોર અને સંપૂર્ણ શક્તિ ખર્ચી હતી.
ગુજરાત કોંગ્રેસના પૂરેપૂરી દખલ હોવા છતાં તેઓ ગુજરાત કોંગ્રેસને સંપૂર્ણ કમાન્ડીંગ કરી શકવાની સ્થિતિમાં ન હતા. 1994માં ચીમનભાઈ પટેલના નિધન બાદ છબીલદાસ મહેતાને સીએમ બનાવવાનો નિર્ણય બૂમરેંગ સાબિત થયો હતો. જનતાદળ ગુજરાતનો કોંગ્રેસમાં વિલય થયો. 1995માં આવેલી ચૂંટણીમાં કેશુભાઈ પટેલ સીએમ બન્યા તો અઢી વર્ષના ગાળામાં શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો, રાજપાની રચના થઈ. જનતા દળ ગુજરાત અને રાજપા સરકારને ટેકો આપવાનો કોંગ્રેસનો નિર્ણય ઉંધો પડ્યો હોય એવું ત્યારે પણ લાગતું હતું અને આજે પણ લાગે છે.
અમરસિંહ ચૌધરી અને શંકરસિંહ વાઘેલાના ભરોસે ગુજરાતમાં કોંગ્રેસ તાસકે મૂકાઈ. આ બન્ને નિર્ણયો એવા હતા કે જેમાં અહેમદ પટેલ પરાણે-પરાણે હામી ભરતા રહ્યા. અહેમદ પટેલની ઈચ્છા હતી કે અનિચ્છા હતી પણ ગુજરાત કોંગ્રેસમાં અહેમદ પટેલે એક ચોક્કસ નેતાઓ સુધી પોતાની રેખા ખેંચી રાખી હતી. આનું પરિણામ એ આવ્યું કે જૂથબંધી બદતરથી બદતર રુપ ધારણ કરતી રહી અને તેનો ફાયદો ભાજપને સીધી રીતે મળતો રહ્યો. જૂથબંધીના પ્રવાહમાં અહેમદ પટેલ પણ તણાતા રહ્યા.
કોંગ્રેસમાં જનતા દળનું ભળી જવું, અહેમદ પટેલના માણસોને સાચવવા, માધવસિંહ સોલંકીના માણસોને સાચવવા અને ત્યાર બાદ જિલ્લા-શહેર અને ગલી મહોલ્લામાં વફાદારોને સંભાળવામાં કોંગ્રેસનું કલ્ચર સતતને સતત ધોવાતું ગયું.
ચાણક્યની ચાલ એ હતી કે ગુજરાત કરતાં કેન્દ્ર સરકારમાં સત્તા સ્થાને બેસવું વધારે હિતાવહ છે. ગુજરાત કોંગ્રેસની વરવી જૂથબંધીથી તેઓ ત્રાહિમામ પોકારી ગયા હતા. ચોક્કસ નેતાઓનું ટોળું અહેમદ પટેલની ફરતે વિંટળાયું હતું અને તેનું નુકશાન અહેમદ પટેલનં થયું. આ નેતાઓ ગુજરાત કરતાં દિલ્હીમાં વધુને વધુ પડ્યા પાથર્યા રહેવા લાગ્યા હતા. અહેમદ પટેલ ક્યારેક તેમના સમર્થકોને કહેતા પણ હતા કે આ બધું બંધ કરો, મને ઉપર(દિલ્હી) નુકશાન થાય છે. આમ પણ જૂથબંધીમાં લડતા ઝઘડતા નેતાઓમાં મોટાભાગના અહેમદ પટેલ જૂથનાં હતા. દરેક શહેરમાં ચાણક્યના એવા બે નેતાઓ હતા જેઓ હંમેશ સામ-સામે હોય અને ચૂંટણી ટાણે ટીકીટોની વહેંચણીમાં સાથે થઈ ગયા હોય.
આગળ જતાં આ સ્થિતિ વધુ વણસવાની હતી. ગોધરા અને ગોધરા પછીના રમખાણોમાં ફરી એક વાર કોંગ્રેસના હાથમાંથી સત્તાની ચાવી દુર સરકી ગઈ. ગુજરાતમાં કોંગ્રેસની સેક્યુલર વિચારધારાને અડીખમ રીતે ગ્રાસરુટ લેવલ પર લઈ જનારા નેતાઓ ઓફીસ પોલિટીક્સનાં પડ્યા.
આમ પણ ગુજરાતમાંથી અહેમદ પટેલ બાદ કોઈ પણ નેતા રાષ્ટ્રીય સ્તરે કાઠું કાઢી શક્યું ન હતું અને ભવિષ્યમાં આટલી ઉંચાઈએ કોઈ નેતા પહોંચશે કે કેમ તે એક પ્રશ્ન છે. અહેમદ પટેલની રાજનીતિ કરવાની સ્ટાઈલનો આ એક ભાગ હતો કે સેન્ટ્રલ લેવલે લીડરશીપ એક જ માણસના હાથમાં હોવી જોઈએ. તેમની સ્વકેન્દ્રીય રાજનીતિના કારણે ગુજરાતમાંથી કેટલાય નેતાઓ મંત્રી સુદ્વાં બન્યા પણ તેમનો મંત્રી તરીકે દબદબો ક્યાંકને ક્યાંક અહેમદ પટેલના વર્ચસ્વ સામે ફિકો પડી જતો હતો.
ભાજપમાં મોદી યુગના ઉદ્દભવ બાદ તો કોંગ્રેસના ચાણક્ય માટે મુશ્કેલીઓનો પહાડ જ ખૂલી ગયો હતો. છેલ્લે છેલ્લે તેમની રાજનેતાની ઈમેજ પર સાંડેસરાના પ્રકરણે કાળી ટીલી જરુરથી મૂકી દીધી હતી. છતાં પણ તેમણે તેમની ઈમેજને છાજે તે રીતે આખાય પ્રકરણને હળવા હાથે ટેકલ કરવાનું નક્કી કર્યું હતું. આ પ્રકરણમાં તપાસ હજુ પણ પેન્ડીંગ છે. એક વાત સ્પષ્ટ છે કે હિન્દુત્વના મોજા વચ્ચે પણ રાજ્યસભાની એક સીટ જીતી શકાય તેટલા ધારાસભ્યો તો કોંગ્રેસમાંથી ચૂંટાતા જ આવ્યા છે.
છેલ્લી રાજ્યસભાની ચૂંટણીમાં જીતીને અહેમદ પટેલે ચાણક્ય હોવાનું સાબિત કરી દીધું હતું. અહેમદ પટેલ સામે શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો અને એવું મનાતું હતું કે કોંગ્રેસના ચાણક્ય જીતી શકશે નહીં પરંતુ અહેમદ પટેલ જીત અંકે કરીને બતાવી. (ક્રમશ:)