વિશ્વભરમાં ઝડપથી વધતા વાયુ પ્રદૂષણના કારણે માત્ર લોકોને જ નહીં પરંતુ ગર્ભને પણ નુકસાન થઈ રહ્યું છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે હવાનું પ્રદૂષણ સગર્ભા સ્ત્રીના ગર્ભાશયમાં પ્લેસેન્ટા દિવાલમાં પ્રવેશ કરે છે અને ગર્ભાશયમાં ગર્ભ સુધી પહોંચે છે. જે બાળકના સ્વાસ્થ્યને અસર કરે છે અને તેના પર કેટલાક રોગ થવાનું જોખમ ઊભું થાય છે.
વૈજ્ઞનિકોએ જાણ્યું છે કે જ્યારે સગર્ભા સ્ત્રી ડીઝલ કારમાંથી નીકળેલા કે કોલસાના ધૂમાળાથી નીકળતા કાર્બન પ્રદૂષકોને શ્વાસમાં લે છે ત્યારે આ પ્રદૂષણમાં રહેલા હાનિકારક તત્વો સ્ત્રીના ફેફસાંમાંથી ગર્ભનાળને વીંધી સીધા ગર્ભ સુધી પહોંચે છે. સંશોધનમાં બહાર આવ્યું છે કે પ્રદૂષિત વિસ્તારોમાં રહેતી 28 સગર્ભા સ્ત્રીઓની નાળમાં બ્લેક કાર્બન જોવા મળ્યો હતો.
ગર્ભવતી સ્ત્રીના શ્વાસ દ્વારા પ્રદૂષિત હવા અને હાનિકારક પદાર્થો ગર્ભ સુધી પહોંચે તો તેનાથી મિસકેરેજ, પ્રિમેચ્યોર ડિલિવરી અને જન્મ સમયે બાળકનું વજન ખૂબ ઓછું હોવાની સમસ્યાઓનું જોખમ વધે છે. પ્લેસેન્ટા એક એવું અંગ છે જે ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભાશય સાથે જોડાઈ જાય છે. જે ગર્ભનાળની મદદથી ગર્ભમાં રહેલા બાળકને લોહી દ્વારા ઓક્સિજન અને પોષક તત્ત્વો પહોંચાડે છે.
આ નવા અધ્યયનમાં હૈસલ યુનિવર્સિટીના વૈજ્ઞનિકોએ 25 નોન સ્મોકિંગ મહિલાઓની તપાસ કરી જેમની ડિલિવરી બેલ્જિયમનાં હસેલ શહેરમાં કરવામાં આવી હતી. ડિલિવરી પછી તરત જ મહિલાની પ્લેસેન્ટા એકઠી કરી અને ગર્ભની બાજુની પ્લેસેન્ટાની તપાસ કરી તો તેમાં કાર્બન મળી આવ્યું. અધ્યયન મુજબ આ હાનિકારક તત્વો પ્લેસેન્ટામાં પહોંચ્યા પછી સીધા ગર્ભમાં પહોંચે છે કે કેમ તે વિશે વધુ સંશોધન કરવાની જરૂર છે.