કોંગ્રેસમાંથી 2017ની રાધનપુર વિધાનસભા બેઠક જીતીને ધારાસભ્ય બનેલા ઠાકોર સમાજના નેતા અલ્પેશ ઠાકોર ત્યારબાદ રાજ્યસભાની ચુંટણી પહેલાં કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં પ્રવેશ્યા અને એ જ બેઠક પર ભાજપમાંથી પેટાચૂંટણી લડયા અને કોંગ્રેસના રઘુ દેસાઈ સામે હારીને ધારાસભ્ય પદ ગુમાવ્યું.
હવે જ્યારે ફરી ચૂંટણીના પડઘમ વાગવા માંડ્યા છે ત્યારે અલ્પેશ ઠાકોર સલામત બેઠક શોધવાની ચિંતામાં છે, જ્યાં તેમને પાર્ટીની અંદર રહેલા નેતાઓ નડતરરૂપ ના રહે.
આવા સમયે આજે અલ્પેશ ઠાકોર દ્વારા નિવેદન આવ્યું છે જેણે બનાસકાંઠાના સ્થાનિક રાજકારણમાં ગરમાવો ઊભો કર્યો છે.
રાધનપુરથી જ ચુંટણી જીતેલા, અને ફરી ભાજપમાં જઈને ત્યાંથી જ હારેલા અલ્પેશ ઠાકોરે રાધનપુરથી જ લડીશ તેવો દાવો કર્યો છે, આ દાવાને ભાજપના શીર્ષ નેતૃત્વ સામે પડકાર ફેંક્યો હોય તે રીતે પણ જોવામાં આવી રહ્યું છે, કારણકે છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપમાં અલ્પેશ ઠાકોરનું રાજનૈતિક મહત્વ ખૂબ ઓછું બની રહ્યું છે.
અને એટલે જ આ પ્રકારનું નિવેદન સામે આવ્યું હોવાનું જાણવા મળે છે.
ઉત્તર ગુજરાતમાં મૂળ OBC સમાજના આંદોલનથી અલ્પેશ ઠાકોર લોકપ્રિય બનેલા, ઠાકોર સમાજમાં અનેક કુરિવાજો, દુષણો દૂર કરવાના સંકલ્પ સાથે અલ્પેશ ઠાકોરે ઉત્તર ગુજરાતમાં અનેક પદયાત્રીઓ કરીને લોકોને પોતાના વશમાં કર્યાં છે.
અલ્પેશ ઠાકોરના પિતા મૂળ ભાજપી નેતા, ત્યારબાદ કોંગ્રેસમાં જોડાયા, અલ્પેશ ઠાકોર પરિવારના વર્ષોથી આનંદીબેન પટેલ સાથેના પારિવારિક સંબંધો રહ્યાં છે.
અલ્પેશ ઠાકોરનો એક સમય હતો જ્યારે તેમની એક હાકલથી ઠાકોર સમાજના યુવાનો રસ્તા પર નીકળી જતાં હતાં, પરંતુ રાજનીતિમાં આવ્યા બાદ ક્યાંકને ક્યાંક યોગ્ય સમયે નિર્ણયો ન લેવાના કારણે અલ્પેશ ઠાકોર હાલ આ સ્થિતિ પર ઊભા છે.
વર્ષ 2017 ની ચુંટણી વખતે પાટીદાર સમાજ ભાજપથી નારાજ રહેલો, ત્યારે ભાજપની નજર અલ્પેશ ઠાકોર સામે હતી, અને ચુંટણી પહેલાં વાત ત્યાં સુધીની હતી કે અલ્પેશ ઠાકોરને રાજ્યના ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવશે, પણ અંતે તેઓ કોંગ્રેસમાં જોડાયા, જ્યારે વર્ષ 2019 ની રાજ્યસભાની ચુંટણી વખતે કોંગ્રેસના ધારાસભ્ય હોવા છતાં તેમણે ભાજપના રાજ્યસભા ઉમેદવારની તરફેણમાં પોતાનો મત આપી અને ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાયા.
પણ હવે જ્યારે કોંગ્રેસે ગુજરાતના પ્રમુખ તરીકે જગદીશભાઈ ઠાકોરને પદભાર આપ્યો છે ત્યારથી ભાજપને ઠાકોર સમાજ અને ઉત્તર ગુજરાતના OBC સમાજની ચિંતા વધી છે, જેના રામબાણ તરીકે ભાજપ પાસે અગાઉથી અલ્પેશ ઠાકોર છે… આવી પરિસ્થિતિમાં ઉચ્ચ મનોકામના સેવી રહેલા અપ્લેશ ઠાકોરે ભાજપના મોવડી મંડળની રજા વિના રાધનપુર બેઠક પર પોતાની દાવેદારી અગાઉથી ગોઠવીને ઉત્તર ગુજરાત અને ભાજપના રાજકારણમાં ગરમાવો ઊભો કર્યો છે.