અચાનક તમારું લોહી લાલની જગ્યાએ નેવી બ્લૂ કલરનું થઇ જાય તો ? માનવામાં ન આવે તેવી ઘટના અમેરિકાની મહિલા સાથે બની છે. ન્યૂ ઇન્ગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસીનમાં પ્રકાશિત એક રિપોર્ટ પ્રમાણે આ મહિલાએ ડોક્ટર્સને કહ્યું કે તેણે દાંતના દુખાવા માટે પેનકિલર જેવી એક દવા લીધી હતી. બીજા દિવસે તે ઉઠીને સીધી અમેરિકાની રોડ આઇલેન્ડ હોસ્પિટલે ગઇ અને ડોક્ટરને કહ્યું- હું કમજોર અને બ્લૂ થઇ ગઇ છું. મેડિકલ ભાષામાં તેને cyanotic કહેવામાં આવે છે જેમાં વ્યક્તિની ચામડી અને નખ બ્લૂ કલરના થઇ જાય છે.
ત્યાં ઉપસ્થિત ડોક્ટર ઓટીસ વોરને આ સમસ્યાને acquired methemoglobinemia જણાવી હતી. આ પરિસ્થિત ભાગ્યે જ અમુક લોકોમાં જોવા મળે છે. તેમાં વધારે પડતું methemoglobin નામનું તત્વ બને છે જે હિમોગ્લોબીનનો જ એક પ્રકાર છે. આ પરિસ્થિતિમાં હિમોગ્લોબીન ઓક્સિજનને લઇ જઇ તો શકે છે પણ યોગ્ય રીતે કોશિકાઓમાં તે છોડી નથી શકતું. આ મહિલા સાથે જે બન્યું તેમાં benzocaine નામના તત્વએ ભાગ ભજવ્યો જે દુખાવો દૂર કરવાની દવામાં હોય છે. તેના રિએક્શનના લીધે કલર બ્લૂ થઇ જાય છે.
આ પરિસ્થિતિ બાદ તે મહિલાને methylene blueનો એન્ટિડોટ આપવામાં આવ્યો હતો અને તે થોડી સ્વસ્થ થઇ હતી. ત્યારબાદ બીજો ડોઝ આપીને આખી રાત હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી હતી અને સવારે દાંતના ડોક્ટર પાસે જવાની સલાહ આપતી ચિઠ્ઠી આપીને ઘરે મોકલવામાં આવી હતી. benzocaineની દવાનું સેવન કરવા અંગે ડો. વોરને લોકોને અપીલ કરી હતી કે તેમાં ચોકસાઇ રાખે કારણ કે તેના ખૂબ ગંભીર પરિણામ આવી શકે છે. આ કોઇ સામાન્ય સાઇડ ઇફેક્ટ નથી.