એશિયન ચેમ્પિયન ભારતીય બોક્સર અમિત પંઘાલે અહીં વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની 53 કિગ્રાની કેટેગરીમાં ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો હતો. સેમી ફાઇનલમાં કઝાકિસ્તાનના સાકેન બિબિસિનોવને 3-2થી હરાવીને ફાઇનલમાં પહોચનારો તે પહેલો ભારતીય બોક્સર બન્યો હતો. જ્યારે અન્ય સેમી ફાઇનાલિસ્ટ મનીષ કૌશિક 63 કિગ્રાની કેટેગરીમાં હારી જતાં તેણે બ્રોન્ઝથી સંતોષ માનવો પડ્યો હતો.
શુક્વારે 52 કિગ્રાની ફ્લાઇવેટ કેટેગરીની સેમી ફાઇનલમાં પંઘાલે બિબિસિનોવ સાથેની મજબૂત બાઉટમાં 3-2થી વિજય મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હવે રવિવારે રમાનારી ફાઇનલમાં તેનો સામનો ઉઝબેકિસ્તાનના બોક્સર શાખોબિદીન ઝોઇરોવ સાથે થશે. શાખોબિદીને ફ્રાન્સના બિલાલ બેનામાને બીજી સેમી ફાઇનલમાં હરાવ્યો હતો. કૌશિકનો સેમી ફાઇનલમાં ક્યુબાના મજબૂત પ્રતિસ્પર્ધી એન્ડી ગોમેઝ સાથે સામનો થયો હતો, જેણે 5-0થી બાઉટ જીતી લઇને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને કૌશિકે માત્ર બ્રોન્ઝથી સંતોષ માનવો પડ્યો હતો.
વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં પંઘાલ ભારતના મેડલનો રંગ બદલશે
વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધી ભારત બ્રોન્ઝ સિવાયનો મેડલ જીત્યું નથી ત્યારે અમિત પંઘાલ રવિવારે રમાનારી ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીતશે તો તે દેશનો પહેલો એવો બોક્સર બનશે જે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હોય, જો તે હારશે તો પણ તે સિલ્વર જીતનારો પહેલો ભારતીય બોક્સર બનશે. આ પહેલા 2009માં વિજેન્દર સિંહ, 2011માં વિકાસ કૃષ્ણ, 2015માં શિવ થાપા અને 2017માં ગૌરવ બિધુડીએ બ્રોન્ઝ જીત્યો છે, જ્યારે હાલમાં મનીષ કૌશિકે બ્રોન્ઝ મેળવીને તેમાં નામ લખાવ્યું છે.