ભારતના બોક્સર અમિત પંઘાલ અને મનીષ કૌશિકે બુધવારે અહીં વિપરીત સ્થિતિમાં જીત મેળવીને વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો, જેના કારણે આ ચેમ્પિયનિશપમાં ભારતના બે મેડલ પાકા થઇ ગયા હતા એશિયન ગેમ્સ અને એશિયન ચેમ્પિયનશિપના ગોલ્ડ મેડલિસ્ટ પંઘાલે 52 કિગ્રાની કેટેગરીમાં ફિલિપાઇન્સના કાર્લો પાલામને 4-1થી હરાવીને જ્યારે કોમનવેલ્થ ગેમ્સના સિલ્વર મેડલિસ્ટ કૌશિકે 63 કિગ્રાની કેટેગરીમાં બ્રાઝિલના વાંડરસન ડિ ઓલિવેરાને 5-0થી હરાવ્યો હતો.
બંને બોક્સરોએ આ સેમી પ્રવેશ સાથે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પોતાનો પહેલો મેડલ નક્કી કરી લીધો હતો. બીજા ક્રમાંકિત પંઘાલે આ પહેલા પાલામને ગત વર્ષે એશિયન ગેમ્સમાં પણ હરાવ્યો હતો. જો કે બુધવારે તેની શરૂઆત સારી રહી નહોતી અને તે પહેલા રાઉન્ડના અંતે પાલામ કરતાં પાછળ રહ્યો હતો. જો કે તે પછી સૈન્યના જવાન એવા આ બોક્સરે તે પછીના બે રાઉન્ડમાં આક્રમકતા દાખવીને અંતે વિજય મેળવ્યો હતો.
પંઘાલે બાઉટ પછી કહ્યું હતું કે મેં ધીમી શરૂઆત કરી હતી પણ મને લાગે છે કે બીજા અને ત્રીજા રાઉન્ડમાં મે પ્રભુત્વ જમાવ્યું હતું. મારા કોચીસે મને આક્રમક થવા જણાવ્યું હતું અને મેં તેનો પ્રયાસ કર્યો હતો. હું પહેલા પણ તેની સાથે બાથ ભીડી ચુક્યો છું, જેનાથી મને તેની વ્યુહરચના બાબતે જાણકારી હતી. હે અંતિમ ચારમાં હરિયાણાના આ બોક્સરનો સામનો કઝાકિસ્તાનના સાકેન બિબોસિનોવ સાથે થશે, જેણે ક્વાર્ટર ફાઇનલમાં આર્મેનિયાના યુરોપિયન ગોલ્ડ મેડલિસ્ટ અને છઠ્ઠા ક્રમાંકિત આર્ટર હોવહાનિશ્યાનને હરાવ્યો હતો.
માજી નેશનલ ચેમ્પિયન કૌશિક પંઘાલ પછી રિંગમાં ઉતર્યો હતો. તેણે બાઉટમાં સંયમિત પ્રદર્શન કરીને જીત મેળવી હતી. કૌશિકનો સામનો હવે ક્યુબાના ટોચના ક્રમાંકિત એન્ડી ગોમેઝ ક્રુઝ સાથે થશે. જેણે 8માં ક્રમાંકિત રશિયન બોક્સર ઇલિયા પોપોવને હરાવ્યો હતો. ક્રુઝ 2017ના તબક્કામાં લાઇટ વેલ્ટરવેટ 64 કિગ્રાનો ગોલ્ડ મેડલિસ્ટ છે અને બે વાર પેન અમેરિકન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી ચુક્યો છે.