ગણેશ ચતુર્થીના પાવન પર્વને ઉજવવા પ્રકૃતિ, પર્યાવરણ અને હસ્તકલાના જતન સાથે કારીગરો દ્વારા બનાવેલ માટીની મૂર્તિઓ લોકોના ઘરમાં પહોંચે તે માટે કુટીર અને ગ્રામોધ્યોગ વિભાગ, ઈન્ડેક્સ્ટ સી, ગુજરાત માટીકામ કલાકારી એન્ઠ રૂરલ ટેકનોલોજી ઈન્સ્ટીટ્યુટ તથા ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે “હસ્તકલા સેતુ” નું રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્યના તમામ વિસ્તારોમાં ગણેશભક્તોએ પૂરજોશમાં તૈયારીઓ આરંભી દીધી છે. ગણેશ ચતુર્થી આવતા દરેક વ્યક્તિ ભગવાનને આવકારવા માટે તેમના ઘરને સજાવવામાં વ્યસ્ત થઈ જાય છે. ચોમેર ગણેશ સ્થાપન ઉમંગ, ભક્તિભાવથી કરવામાં આવે છે, ત્યારે વિઘ્નહર્તા ગણેશજીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના થકી પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપવું એ આપણી ફરજ છે. આ તકે હસ્તકલા સેતુમાં સ્ટોર મેળવનાર બંસી મેધનાથી કહે છે કે, અમને અહિંયા સ્ટોલ મળ્યો એ જ અમારા માટે સરકારની મોટી હેલ્પ છે. અમને સરકાર દ્વારા અપાતું આર્ટીઝન કાર્ડ મળતા જ અમને પ્રદર્શનમાં પ્રથમ વખત સ્ટોલ પણ તરત જ મળી ગયો. ૪-૫ વર્ષથી અમે ઘરે અને આસપાસની સોસાયટીમાં જઈને મંદિર સજાવટ અને ઘર સજાવટનો સામાન વેંચતા હતા. આ રીતે સામાન વેંચવામાં મુશ્કેલીઓ અનેક હતી તથા આવક પણ ઓછી થતી હતી. સરકાર દ્વારા સ્ટોલ અપાતા અમને ઘણી રાહત થઈ ગઈ છે.
છુટક સામાન વેંચીને મળતી આવક કરતા વધુ આવક થઈ છે. આ તકે કોટેજ એન્ડ રૂરલ ઈન્ક્યુબેટરના જિલ્લા અધિકારી નિરવ ભાલોડિયાએ જાહેરજનતાને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, પર્યાવરણને નુકસાનકર્તા પીઓપીની મૂર્તિઓના સ્થાને માટીની મૂર્તિના ઉપયોગથી પર્યાવરણ સંરક્ષણ સહિત અનેકવિધ લાભો અને અનેરૂ મહત્વ હોવાથી માટીની ઈકો-ફ્રેન્ડલી મૂર્તિઓની સ્થાપના વધુમાં વધુ થાય એ માટે લોકો જાગૃત થાય તથા માત્ર ને માત્ર ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓની જ સ્થાપના કરી પ્રકૃતિ પ્રત્યેનું ઋણ ચૂકવવું જોઈએ. આ “હસ્તકલા સેતુ”માં માટીના ગણપતિ, ગણપતિ શણગારની વસ્તુઓ,પૂજાની થાળી, પૂજાની સામગ્રી, મંદિર સજાવટની વસ્તુઓ, ગાયના છાણમાંથી બનાવેલ દિવા અને કુંડા, હેન્ડીક્રાફ્ટ, શણગારેલી થાળીઓ સહિતની વસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.