ભારતની સાત્વિક સાઇરાજ રંકીરેડ્ડી અને અશ્વિની પોનપ્પાની મિક્ષ્ડ ડબલ્સ જોડીએ મંગળવારે ચાંગ્ઝુમાં ચીન ઓપનના પહેલા રાઉન્ડમાં પ્રવીણ જોર્ડન અને મેલાતી દેઇવા ઓક્તાવિયાન્તીની વિશ્વની 7મી ક્રમાંકિત ઇન્ડોનેશિયન જોડીને હરાવીને અપસેટ સર્જ્યો હતો.
વિશ્વની 26મી ક્રમાંકિત એવી સાત્વિક અને અશ્વિનીની જોડીએ એક ગેમ ગુમાવ્યા છતાં 50 મિનીટમાં પ્રવીણ અને મેલાતીની જોડીને 22-20, 17-21, 21-17થી હરાવીને 10 લાખ ડોલરનું ઇનામ ધરાવતી વર્લ્ડ ટૂર સૂપર 1000 ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં સ્થાન મેળવ્યું હતું. જોર્ડન અને મેલાતીની જોડી 2018ની ઇન્ડિયા ઓપન સહિત પાંચ ફાઇનલમાં સ્થાન મેળવી ચુકી છે. પણ ભારતીય જોડીએ તેમને સતત પ્રેશરમાં રાખીને આ મેચ જીતી લીધી હતી.