જામનગરમાં સુભાષ પરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક નિવૃત આર્મીમેન દ્વારા પોતાની રિવોલ્વરમાંથી ફાયરિંગ કરાયાની ઘટના સામે આવતા ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. રસ્તે ચાલીને જઇ રહેલા એક પરપ્રાંતીય શ્રમિક યુવાન પર સામાન્ય બાબતમાં તકરાર કરી ફાયરિંગ કરી દેતા યુવાન ઈજાગ્રસ્ત બનીને પડી ગયો હતો. જેને સારવાર માટે જી જી હોસ્પિટલમાં ખસેડાયો છે.
આ ચકચાર જનક બનાવની વિગત એવી છે કે જામનગરમાં રણજીતસાગર રોડ પર સુભાષ પરા વિસ્તારમાં રહેતો દિવાન ટેટિયાભાઈ માવી નામનો મૂળ મધ્ય પ્રદેશનો વતની અને હાલ જામનગરમાં રહી કડીયાકામની મજૂરી કરતો પરપ્રાંતીય યુવાન ગઇકાલે રણજીતસાગર રોડ પર એક પંજાબી ઢાબા પાસે થી પસાર થઇ રહ્યો હતો.
જે દરમિયાન ઉપરોક્ત વિસ્તારમાં હાજર રહેલા વલ્લભ મનજી બગડા નામના નિવૃત્ત આર્મીમેને તેની સાથે તકરાર કરી અહીં કોઈએ ઊભા રહેવું નહીં અને બેસવુ નહીં તેમ કહી બોલાચાલી કરી હતી અને પુલિયા પરથી પસાર થઈ રહેલા પરપ્રાંતિય યુવાનની છાતીમાં પોતાના હથિયાર વડે ફાયરિંગ કરી દેતા પરપ્રાંતીય યુવાન ઘાયલ થઈને પડી ગયો હતો. જેને સિમેન્ટના પુલિયા નો ખૂણો વાગવાથી આંખ પાસે પણ લોહી નીકળ્યું હતું. જેને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ ઘટનાની જાણ થતા પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઇ હતી. જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલ તેમ જ સીટી ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે તેમ જ જીજી હોસ્પિટલે દોડી આવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે ઈજાગ્રસ્ત શ્રમિક યુવાન દિવાન માવીની ફરિયાદના આધારે નિવૃત આર્મીમેન વલ્લભ મનજી બગડા સામે હત્યા પ્રયાસ અંગેની કલમ 307 અને 504 તેમજ હથિયાર ધારા ભંગની કલમ આર્મ્સ એક્ટની કલમ 25 (1એ)( એસી) બી એ તથા જી પી એક્ટ કલમ 135 એક હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ઘટના પછી આરોપી ભાગી છૂટ્યો હોવાથી પોલીસ તેને શોધી રહી છે.