રાજકોટ અને ભાવનગરમાંથી બે દિવસ પહેલા પકડાયેલા આઇએસના ત્રાસવાદી ભાઇઓની પુછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. આ વખતે તેઓએ તપાસ એજન્સીઓની એવુ કહીને ઉંઘહરામ કરી દીધી છે અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં તેમના જેવા વધુ ૪૦ શંકાસ્પદો ફેલાયેલા છે કે જેઓ આઇએસની વિશ્વભરમાં ચાલતી ગતિવિધિઓ સાથે જોડાયેલા છે.
બંને ત્રાસવાદી ભાઇઓએ તપાસ ટીમ સમક્ષ ભારતમાં આઇએસના નેટવર્ક અંગે અનેક મહત્વની માહિતી આપી છે. પોલીસ સુત્રોનુ માનીએ તો પુછપરછમાં બંને ભાઇઓએ આઇએસ સાથે જોડાયેલા ૪૦ જેટલા લોકોના નામ પણ આપી દીધા છે. હવે પોલીસ આ તમામ લોકોની ઓળખ મેળવવાના પ્રયાસ કરી રહી છે કે જેથી તેઓના અસલી ઇરાદાઓ સુધી પહોંચી શકાય.
આ મામલામાં તપાસ એજન્સીઓ હવે પકડાયેલા ત્રાસવાદી વસીમની પત્નિ શાહજીનની પણ પુછપરછ કરી રહી છે. વસીમે જણાવ્યુ હતુ કે, પત્નિ કાયમ આઇએસ દ્વારા આપવામાં આવેલા કામને યોગ્ય રીતે અંજામ ન આપવાના કારણે તે મને નામર્દ કહી ટોણો મારતી હતી. પત્નિ દ્વારા વારંવાર ટોણા મરાતા વસીમ ઘણો નર્વસ થઇ ગયો હતો. એક અધિકારીના જણાવ્યા પ્રમાણે બંને ભાઇઓએ પ્લાન બનાવ્યો હતો કે તેઓ પોતાની ગાડી ભાવનગર લઇ જશે પરંતુ પકડાવાના ડરથી તેઓએ ત્યાં ગાડીમાં વિસ્ફોટક નહોતા રાખ્યા. આઇએસના હેન્ડલર્સ તરફથી મળેલા નિર્દેશ બાદ તેઓએ રાજકોટની સદરની બજારમાંથી ફટાકડાની ખરીદી કરી હતી અને આઇઇડી બનાવવા માટે ૯ વોલ્ટની બેટરી પણ ખરીદી હતી.
બંને ભાઇઓ ટવીટ્ર, ફેસબુક અને ટેલીગ્રામ મેસેજીંગ એપ થકી આઇએસઆઇએસના ત્રાસવાદીઓ સાથે સંપર્કમાં રહેતા. ધરપકડ બાદ તેમની પાસેથી દેશી બોંબ, ગન પાવડર, માસ્ક, કોમ્પ્યુટર સહિત અનેક સામાન જપ્ત થયો છે. કોમ્પ્યુટર અને મોબાઇલમાંથી પ્રતિબંધિત સાહિત્ય પણ મળ્યુ છે. વસીમ અને નઇમે પુછપરછમાં આઇએસના વડા બગદાદી અને લાદેનને પોતાના રોલ મોડલ ગણાવ્યા હતા. તપાસ ટીમના જણાવ્યા પ્રમાણે આઇએસના ઓપરેટર બીગકેટ અને વનગોલ જેવા નામોની સાથે પરસ્પર સંપર્કમાં રહેતા હતા.
એટીએસના અધિકારીના જણાવ્યા પ્રમાણે વસીમ પત્નિના ટોણાથી નર્વસ થઇ ગયો હતો અને તે ૧પ જાન્યુઆરીએ ચોટીલા ગયો હતો પરંતુ પકડાવાના ડરથી શહેરથી ૧૦ કિ.મી. દુરથી જ અટકી ગયો હતો.