સાત્વિક સાઇરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ અહીં રમાયેલી થાઇલેન્ડ ઓપનની ફાઇનલમાં ચીનની જોડી લિ જૂન હુઇ અને લિયૂ યુ ચેનને પરાસ્ત કરીને ટાઇટલ કબજે કર્યું હતું, આ સાથે જ રંકીરેડ્ડી-ચિરાગ શેટ્ટી બીડબલ્યુએફ સુપર બેડમિન્ટન ટુર્નામેન્ટ જીતનારી પહેલી ભારતીય જોડી બની ગઇ હતી.
રંકીરેડ્ડી-ચિરાગ શેટ્ટીની બિન ક્રમાંકિત ભારતીય જોડીએ એક કલાક અને બે મિનીટ સુધી ચાલેલી મેચમાં ચીનની ત્રીજી ક્રમાંકિત જોડી લિ જૂન હુઇ અને લિયૂ યુ ચેનને 21-19, 18-21, 21-18થી હરાવી હતી. ગત વર્ષે કોમનવેલ્થ ગેમ્સમાં પુરૂષ ડબલ્સનો સિલ્વર મેડલ જીતનારા રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી માટે આ 2019ની સિઝનની પહેલી ફાઇનલ હતી. રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ સારી શરૂઆત કરીને 3-3ની બરોબરી પછી 10-6ની સરસાઇ મેળવી લીધી હતી. પણ ચીનની જોડી 14-14થી બરોબરી મેળવી હતી. તે પછી બંને જોડી વચ્ચે આગળ નીકળવાની હોડ ચાલી હતી.જો કે વિશ્વની 16મી ક્રમાંકિત ભારતીય જોડીએ 20-18ના સ્કોર પર જ સરસાઇ મેળવી શકી હતી. ચીની ખેલાડીઓએ પોઇન્ટ મેળવીને તે પછી સ્કોર 19-20 કર્યો હતો. જોકે તે પછી રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ મહત્વનો પોઇન્ટ મેળવીને પહેલી ગેમ જીતી લીધી હતી.
બીજી ગેમમાં ભારતીય જોડી જ્યારે 6-2ની સરસાઇ ભોગવતી હતી ત્યારે ચીનની જોડીએ વાપસી કરીને સ્કોર 5-6 કરી દીધો હતો અને તે પછી બરોબરની ચડસાડસી ચાલતા સ્કોર 11-11ની બરોબરીએ પહોંચ્યો હતો. ચીની જોડીએ તે પછી 13-11ની સરસાઇ જમાવી તો ભારતીય જોડીએ ફરી સ્કોર 13-13 કરીને પછી 16-14ની સરસાઇ મેળવી લીધી હતી. જો કે ત પછી ચીનની જોડીએ સતત પાંચ પોઇન્ટ મેળવીને ગેમ 18-21થી જીતી લીધી હતી. અંતિમ નિર્ણાયક ગેમમાં રંકીરેડ્ડી અને શેટ્ટી થોડા ધીમા જણાયા હતા, પણ તે પછી ભારતીય જોડીએ પોતાની રમતને સુધારીને અંત સુધી ચીનની જોડી સામે પોતની સરસાઇ જાળવી રાખી હતી. જો કે તે પછી ચીનની જોડીએ મેચમાં વાપસી કરવાનો પ્રયાસ કરીને સ્કોર 18-19 કરી દીધો હતો. પણ ભારતીય ટીમે તે પછી સતત બે પોઇન્ટ મેળવીને ગેમ 21-18થી જીતી લઇને મેચ જીતી લઇને ટાઇટલ કબજે કર્યું હતું.