નવી દિલ્હી : હવે તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે. આથી, દરેક ક્ષેત્રના વેચાણમાં ઉછાળાની અપેક્ષા છે. પરંતુ બજાર કદાચ હજુ પણ જાખપ અનુભવે છે. ઓટો ક્ષેત્રમાં તો મંદીના વાદળા હજુ પણ દૂર થવાનું નામ પણ નથી લઈ રહ્યા. ટ્રક, બસો જેવા વ્યવસાયિક વાહનોનું ઉત્પાદન કરતી અશોક લેલેન્ડ (Ashok Leyland)એ કંપનીએ ઓક્ટોબર મહિના દરમિયાન 15 દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
હિન્દુજા ગ્રુપની માલિકીની કંપની અશોક લેલેન્ડે કહ્યું કે તેણે 15 દિવસ સુધી વિવિધ સ્થળોએ તેનું ઉત્પાદન બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ચેન્નાઈ સ્થિત કમર્શિયલ વ્હિકલ કંપનીએ ઉત્પાદન અને વેચાણ વચ્ચેના અંતરને દૂર કરવા માટે ઉત્પાદનમાં કાપ મૂક્યો છે.
ઉત્તરાખંડમાં કંપનીના પ્લાન્ટ પર 14 દિવસનો શટડાઉન થશે. મેનેજમેન્ટે 5 ઓક્ટોબરથી 22 ઓક્ટોબર સુધી કંપની બંધ રાખવાનો નિર્ણય લીધો છે. મંગળવારે ડેપ્યુટી કમિશનરને અપાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે 5 ઓક્ટોબરથી 22 ઓક્ટોબર સુધીમાં વચ્ચે આવનાર ત્રણ રવિવાર એટલે કે 6 ઓક્ટોબર, 13 ઓક્ટોબર, 20 ઓક્ટોબર અને આ સાથે જ 8 મી ઓક્ટોબરે દશેરાના દિવસે સરકારી રજા રહેશે. મેનેજરે પત્રમાં લખ્યું છે કે કર્મચારીઓને સાત દિવસનો પગાર આપવામાં આવશે. આ સાથે, તે કર્મચારીઓની સાપ્તાહિક રજાના બાકીના સાત દિવસને એડજસ્ટ કરશે. દેશના બીજા ક્રમના સૌથી મોટા વેપારી વાહન ઓટો ઉત્પાદકે મંદીના કારણે છેલ્લા કેટલાક મહિનામાં ઉત્પાદનમાં ઘટાડો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બરમાં કંપનીએ વાહનના વેચાણમાં 57 ટકાનો ઘટાડો જોયો હતો. સપ્ટેમ્બર મહિનામાં કંપનીએ કુલ 7,851 વાહનોનું વેચાણ કર્યું હતું. ગયા વર્ષે સમાન મહિનામાં, આ વેચાણ 18078 હતું. વેચાણમાં સૌથી વધુ ઘટાડો જોવા મળતા વાહનોમાં મધ્યમથી ભારે વાહનોનો સમાવેશ થાય છે. નાના વેપારી વાહનોના વેચાણમાં પણ 24 ટકાનો ઘટાડો થયો છે. સપ્ટેમ્બરમાં પણ કંપનીએ તેના પાંચ પ્લાન્ટ બંધ કર્યા હતા. એન્નોર પ્લાન્ટ 16 દિવસ, હોસુર 5 દિવસ, અલવર અને ભંડારા પ્લાન્ટ 10 દિવસ અને પંતનગર પ્લાન્ટ 9 દિવસ માટે બંધ રહ્યો હતો.