ભારતનો સ્ટાર રેસલર બજરંગ પુનિયા ગુરૂવારે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપની સેમી ફાઇનલમાં શ્રેષ્ઠતમ પ્રયાસ કરવા છતાં કમનસીબે હારી ગયો હતો. તેની સાથે જ રવિ દહિયા પણ સેમીમા હાર્યો હતો. જો કે એ પહેલા ભારતના આ બંને રેસલરે પોતપોતાની કેટેગરીમાં ટોક્યો ઓલિમ્પિક્સ 2020 માટે કવોલિફાઇ કરી લીધું હતું. હવે આ બંને રેસલર શુક્રવારે બ્રોન્ઝ મેડલ માટે ફરી મેટ પર ઉતરશે.
65 કિગ્રાની કેટેગરીની સેમી ફાઇનલમાં બજરંગ અને સ્થાનિક રેસલર દૌલત નિયાઝબેકોવનો સ્કોર 9-9ની બરોબરી પર રહ્યો હતો, જો કે તે છતાં દૌલતે એક મુવના 4 પોઇન્ટ મેળવ્યા હોવાથી તેને વિજેતા જાહેર કરાયો હતો. રવિ કુમારને રશિયના જોર ઉગુવ સામે 4-6થી પરાજય મળ્યો હતો.
સવારના સેશનમાં બજરંગે જોરદાર શરૂઆત કરીને સતત ત્રણ બાઉટ જીતી હતી. પોલન્ડના ક્રિસ્ટોફ બાઇન્કોસ્કીને 9-2થી હરાવી પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં સ્લોવેનિયાના ડેવિડ હબટને પરાસ્ત કર્યો હતો. તે પછી ક્વાર્ટર ફાઇનલમાં કોરિયાના ચોંગ ચોલસોનને 8-1થી હરાવીને ઓલિમ્પક્સ કવોટા મેળવ્યો હતો. રવિએ કોરિયાના સુંગ ગ્વોનને હરાવ્યા પછી આર્મેનિયાના આર્સેન હારુતયુનયાનને હરાવ્યો અને ક્વાર્ટરમાં જાપાનના યૂકી તાકાહાશીને હરાવીને ઓલિમ્પિક્સ કવોટા મેળવ્યો હતો.