મેન્સ ક્રિકેટની સરખામણીમાં પાછળ રહી ગયેલ વુમન ક્રિકેટના વિકાસ માટે બરોડા ક્રિકેટ એસોસિએશ સક્રિય થયુ છે. આ માટે હવે શાળા કક્ષાએ જ વિદ્યાર્થિનીઓએ ક્રિકેટની તાલીમ મળી રહે તેવુ આયોજન કરાયુ છે તેમ આજે બરોડા ક્રિકેટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ શિતલ મહેતાએ કહ્યું હતું.
ભારતની વુમન ક્રિકેટ ટીમે કોમન વેલ્થ ગેમમાં નોંધપાત્ર પ્રદર્શન કર્યુ છે અને આ ટીમમાં વડોદરાની બે વુમન ક્રિકેટરો રાધા યાદવ અને યાસ્તિકા ભાટીયા પણ હતી આમ વડોદરાનો વુમન ક્રિકેટ ટીમમાં પણ મહત્વનો ફાળો રહ્યો છે જેને ધ્યાને રાખીને મુંબઇના વ્યાપારીક ગૃહે બીસીએની વુમન ટીમને રૃ.૩૦ લાખની સ્પોન્સરશિપ પણ આપી છે. બીસીએના સીઇઓ શિશિર હટંગડીએ કહ્યું હતું કે બરોડા ક્રિકેટ એસોસિએશનની ટીમને પ્રથમ વખત સ્પોન્સરશિપ મળી છે તેમા પણ વુમન્સ ટીમને મળી તે વધુ ગૌરવની વાત છે. તો વુમન ક્રિકેટ ટીમના પુર્વ સિલેક્ટર ગીતા ગાયકવાડે કહ્યું હતું કે બીસીએ અંતર્ગત નવસારીથી લઇને મહેસાણા સુધી અમે વુમન ક્રિકેટરોને શોધવા માટે કેમ્પ કરી રહ્યા છીએ. વુમન ક્રિકેટના વિસ્તાર માટે હવે સ્કૂલો સાથે ટાઇઅપ કરવામાં આવશે અને શાળાઓમાં પણ કેમ્પ ગોઠવવામાં આવશે. આ કેમ્પમાંથી જે ટેલેન્ટ મળશે તેને બીસીએ તાલીમ આપશે.
રાધા યાદવ અને યાસ્તિકા ભાટીયાએ પણ કહ્યું હતું કે એક સમય હતો કે વુમન ક્રિકેટ ઉપર ધ્યાન આપવામાં આવતુ નહતુ પરંતુ હવે વુમન ક્રિકેટ પણ મુખ્યધારામાં આવી ગયુ છે અને યુવતીઓ મોટી સંખ્યામાં ક્રિકેટને પોતાના શોખની સાથે કારકીર્દિના રૃપમાં અપનાવી રહી છે.