રાહુલ ભેકેએ 116મી મિનીટે કરેલા જોરદાર ગોલની મદદથી બેંગલુરૂ એફસીએ રવિવારે મુંબઇ ફૂટબોલ એરેના ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં એફસી ગોવાને 1-0થી હરાવીને ઇન્ડિયન સુપર લીગ (આઇએસએલ)ની પાંચમી સિઝનનું ટાઇટલ જીતી લીધું હતું. બેંગલુરૂએ પ્રથમવાર આ ટાઇટલ જીત્યું છે જ્યારે ગોવાની ટીમ 2015 પછી બીજીવાર આ ટુર્નામેન્ટમાં રનર્સઅપ રહી છે.
ડિમાસ ડેલ્ગાડોના કોર્નરને ભેકેએ ગોલમાં ફેરવીને બેંગલુરૂને ચેમ્પિયન બનાવ્યું હતું. બેંગલુરૂની ટીમ સતત બીજા વર્ષે ફાઇનલમાં પ્રવેશી હતી. ગત વર્ષે તેનો ચેન્નઇયન એફસી સામે પરાજય થયો હતો. બીજી તરફ ગોવાની ટીમ બીજીવાર ફાઇનલમાં પહોંચીને ટાઇટલ જીતવાથી વંચિત રહી હતી. આ પહેલા 2015ની ફાઇનલમાં તેનો પણ ચેન્નઇયન એફસી સામે પરાજય થયો હતો.
એહમદ જાહોને વધારાના સમયના પહેલા હાફના થોડા સમય પગેલા જ યલો કાર્ડ બતાવાતા ગોવાની ટીમે 10 ખેલાડીઓ સાથે રમવા મજબૂર થવું પડ્યું હતું અને તેનો જ ફાયદો ઉઠાવીને બેંગલુરૂએ વિજયી ગોલ ફટકારીને ટાઇટલ પોતાના નામે કર્યું હતું. આ સિઝનમાં બેંગલુરૂનો ગોવા પર સતત ત્રીજો વિજય રહ્યો છે. મેચનો પ્રથમ હાફ ગોલરહિત રહ્યો હતો. આ દરિમયાન કોઇ ટીમને ગોલ કરવાની તક મળી નહોતી. જો કે પહેલા હાફમાં ગોવા કરતાં બેંગલુરૂની રમત વધારે સારી રહી હતી. તેની છ કીક ગોલ પોસ્ટની પાસેથી નીકળી હતી. જ્યારે ગોવાના ખેલાડીઓની ત્રણ કીક પોસ્ટની નજીકથી પસાર થઇ હતી.