કચ્છ: ભુજ તાલુકાની લેઉવા પટેલ ચોવીસીનાં કેરા ગામની ભાગોળે એચ.જે.ડી. શૈક્ષણિક ઇન્સ્ટિટયૂટ ના નામે ઇજનેરી કોલેજનું નિર્માણ કરનારા જગદીશ દેવજી હાલાઇ અને તેમના પત્નીએ આ શૈક્ષણિક સુવિધા ઊભી કરવાના નામે મૂળ તાલુકાના દહીંસરા ગામના અને હાલ યુકે સ્થાયી થયેલા એનઆરઆઈ વિજયભાઇ માવજીભાઇ કારા (પટેલ) સાથે રૂ. 24.11 કરોડની છેતરપિંડી કરી હોવાની ફોજદારી ફરિયાદ વિવિધ કલમો તળે નોંધાતાં શૈક્ષણિક જગત સહિત સમગ્ર ચોવીસીમાં સનસનાટી મચી ગઇ છે.
ઠગાઇના મામલાને લાગેવળગે છે ત્યાં સુધી કચ્છનો આ સૌથી મોટો કિસ્સો બની રહ્યો છે. લાંબા સમયથી ચકચારી બનેલા આ છેતરપિંડી પ્રકરણમાં જિલ્લાસ્તરે રજૂઆતો સહિતની ફરિયાદો બાદ એસ.પી.ના આદેશથી પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ પ્રાથમિક છાનબીન કર્યા બાદ બિનનિવાસી ભારતીય વિજયભાઇ કારાની ફરિયાદ લઇને એચ.જે.ડી. ઇન્સ્ટિટયૂટના ચેરમેન જગદીશ હાલાઇ અને તેમના પત્ની કાંતાબેન વિરુદ્ધ આ ગુનો દાખલ કરાવ્યો હતો. આ ફરિયાદમાં ભારતીય દંડ સંહિતાની કલમ 465, 467, 468, 406 અને 120 (બી) વગેરે લગાડવામાં આવી છે. કેસની તપાસ એલ.સી.બી.ના સબ ઇન્સ્પેકટર વાય.બી. ગોહિલને સોંપવામાં આવી છે.
કેરામાં ઇજનેરી અભ્યાસક્રમનું શૈક્ષણિક સંકુલ ઊભું કરવાનું હોવાનું જણાવીને આરોપી જગદીશ હાલાઇએ યુ.કે. રહેતા કેસના ફરિયાદી શ્રી કારા પાસેથી અલગઅલગ તબક્કે રૂા. 24 કરોડ, 10 લાખ, 62 હજાર અને પાંચસો લીધા હતા. તમે બિનનિવાસી ભારતીય હોવાથી આ શૈક્ષણિક સંસ્થામાં ટ્રસ્ટી બની ન શકો તેવી ખોટી માહિતી આપી આરોપીઓ ખુદ ટ્રસ્ટી બની ગયા હતા. આ સમગ્ર છેતરપિંડી પ્રકરણને આરોપી દંપતીએ પૂર્વયોજિત કાવતરું રચીને વ્યવસ્થિત ઢબે અંજામ આપ્યો હોવાનો આરોપ પણ ફરિયાદમાં મુકાયો છે.