200 કરોડની ઉચાપત કરનાર સુકેશ ચંદ્રશેખરના કેસમાં જ્યારથી જેકલીન ફર્નાન્ડીઝનું નામ સામે આવ્યું છે ત્યારથી અભિનેત્રી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. રવિવારે જેકલીનને દેશ છોડવા પર રોક લગાવવામાં આવી હતી.અભિનેત્રીને મુંબઈ એરપોર્ટ પર રોકવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, જેકલીન તેના એક શો માટે વિદેશ જતી રહી હતી પરંતુ તેને દેશની બહાર જવાની ના પાડી દેવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, EDના લુક આઉટ સર્ક્યુલરના કારણે જેકલીનને એરપોર્ટ પર રોકી દેવામાં આવી છે અને તેને વિદેશ જવા દેવામાં આવી નથી.
હાલમાં જ એક રિપોર્ટ સામે આવ્યો હતો જેમાં EDએ દાવો કર્યો હતો કે સુકેશે જેકલીનને કરોડોની ગિફ્ટ આપી છે. ED અનુસાર, સુકેશ અને જેકલીન વચ્ચેની વાતચીત જાન્યુઆરી 2021માં શરૂ થઈ હતી અને ત્યારથી બંને ખૂબ જ નજીક છે. આ દરમિયાન સુકેશે જેકલીનને 10 કરોડ રૂપિયાની ભેટ આપી હતી.તેમાં અનેક જ્વેલરી, હીરા જેવી લક્ઝરી વસ્તુઓનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, સુકેશે જેકલીનને 36 લાખની ચાર પર્શિયન બિલાડીઓ અને 52 લાખની બીજી ગિફ્ટ આપી. એવો પણ દાવો કરવામાં આવે છે કે જ્યારે સુકેશ જામીન પર બહાર આવ્યો ત્યારે તે અને જેકલીન ચેન્નાઈની એક હોટલમાં સાથે રહ્યા હતા.
જેકલીન અને સુકેશની એક તસવીર પણ સામે આવી છે, જેમાં જેકલીન સુકેશના ગાલ પર કિસ કરતી જોવા મળી રહી છે. આ તસવીર સામે આવ્યા બાદ એવો દાવો કરવામાં આવ્યો હતો કે જેક્લીન અને સુકેશ રિલેશનશિપમાં હતા.આ તસવીર આ વર્ષે એપ્રિલથી જૂન વચ્ચેની જણાવવામાં આવી રહી છે. તે દરમિયાન સુકેશ તિહાર જેલમાંથી વચગાળાના જામીન પર બહાર આવ્યો હતો. જોકે, જેક્લિને માસ્ટરમાઇન્ડ સુકેશ ચંદ્રશેખર સાથેના કોઈપણ સંબંધનો ઈન્કાર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સુકેશ વિરુદ્ધ ખંડણીના 15 કેસ નોંધાયેલા છે. વૈભવી જીવનના શોખીન સુકેશે બેંગ્લોર અને ચેન્નાઈમાં અનેક લોકો સાથે કરોડોની છેતરપિંડી કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ 200 કરોડની ખંડણીના કેસની તપાસ કરી રહી છે. આ કેસમાં અભિનેત્રી જેકલીનનું નામ સુકેશ સાથે જોડાયું હતું. જોકે, અભિનેત્રીએ સુકેશ સાથેના તેના સંબંધોને નકારી કાઢ્યા હતા.