ભારત સહિત વિશ્વના ૧૦૦ દેશોમાં ઇતિહાસનો સૌથી મોટો સાયબર હુમલો થયો છે. તેની શરૂઆત શુક્રવારે યુકેની નેશનલ હેલ્થ સર્વિસથી થઇ હતી. યુકેની અનેક હોસ્પિટલોમાં કમ્પ્યુટર અને ફોન બંધ થઇ ગયા. ત્યારબાદ અનેક દેશોમાં હોસ્પિટલો, મોટી કંપનીઓ સરકારી કચેરીઓની વેબસાઇટો પર હુમલો થયો. તેને રેનસમવેયર હુમલો કહેવામાં આવી રહ્યો છે. આ એવો વાયરસ છે જેનાથી ડેટા લોક થઇ જાય છે. તેને અનલોક કરવા માટે હેકરો બિટકોઇન્સ કે ડોલર્સમાં રકમ માંગે છે. ભારતમાં આ વાયરસની અસર આંધ્ર પ્રદેશના પોલીસ નેટવર્ક પર પડી છે. આંધ્ર પોલીસનું રપ ટકા ઇન્ટરનેટ નેટવર્ક આજે સવારે ઠપ્પ થઇ ગયું.
એક કંપનીએ કહ્યું કે ગણતરીના કલાકોમાં જ દુનિયાભરમાં ૭૫ હજાર હુમલા થયા હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ ટ્રેકર અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં ૧ લાખ સિસ્ટમ પર અસર થઇ છે. કાસ્પર્સ્કી લેબના સિક્યુરિટી રિસર્ચરનું કહેવું છે કે ૧૦૦ દેશોમાં ૪૫ હજાર કરતાં વધારે સાયબર એટેક થયા છે. તેમાં ભારત, બ્રિટન, રશિયા, ઇટાલી, ચીન, યુક્રેન અને મિસર સામેલ છે. ત્યાં સ્પેનની અનેક મોટી ટેલિ-કોમ્યુનિકેશન કંપનીઓ અસરગ્રસ્ત થઇ છે.


ભારતમાં આંધ્ર પ્રદેશ પોલીસ ડિપાર્મેન્ટની સિસ્ટમ પર રેનસમવેયર હુમલાનો કિસ્સો સામે આવ્યો છે. ચિત્તૂર, કૃષ્ણા, ગુંટૂર, વિશાખાપટ્ટનમ અને શ્રીકાકુલમ જિલ્લાઓમાં ૧૮ પોલીસ વિભાગોના કોમ્પ્યુટર ઠપ્પ થઇ ગયા છે. રપ ટકા સિસ્ટમ પર કામ થઇ શકતું નથી. ડીજીપી એન સંબાશિવ રાવે કહ્યું કે વિન્ડોઝથી ચાલતા સ્ટેન્ડઅલોન કોમ્પ્યુટર પર તેની અસર થઇ છે. સાવચેતી રૂપે તેમને લોક ઓફ કરી દેવાયા છે. એપ્પલ આઇઓએસ પર ચાલતી સિસ્ટમ સુરિક્ષત છે. એક સોફ્ટવેરને ૧૪ એપ્રિલે એક ગ્રુપ ‘શેડો બ્રોકર્સે’ તૈયાર કર્યું છે અને તેને ઓનલાઇન મૂકી દીધું છે. દાવો કરવામાં આવ્યો કે અમેરિકાની નેશનલ સિક્યુરિટી એજન્સી (એનએસએ) પાસેથી સાયબર હથિયારોની ચોરી કરવામાં આવી. જોકે અત્યાર સુધી એ સ્પષ્ટ થયું નથી શું ગ્રુપ તેને વધુ ફેલાવશે? રેનસમવેયર એક પ્રકારનો સોફ્ટવેર વાયરસ છે. તે કોમ્પ્યુટરમાં આવતાની સાથે જ પોતાની કોઇ પણ ફાઇલનો ઉપયોગ કરી શકતા નથી. જો તમે ફરીથી ફાઇલ ખોલવા માંગો તો તમારે હેકરોને ૩૦૦ બિટકોઇન (લગભગ રૂા. ૩.૨૫ કરોડ) ચૂકવવા પડશે. પૈસા નક્કી સમયમાં જ ચૂકવવા પડશે નહીંતર વાયરસ ઇમેલ દ્વારા ફેલાઇ જશે. સાયબર એટેક માટે Wannacry ડિક્રિપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો. આ માઇક્રોસોફ્ટ વિન્ડોઝ સિસ્ટમ માટે ખતરો છે. રેનસમવેયર ત્યારે વધારે અસર કરે છે જ્યારે તેને આઉટડેટેડ સોફ્ટવેર પર છોડવામાં આવે છે. માઇક્રોસોફ્ટના પ્રવક્તાના જણાવ્યા અનુસાર હમ સ્થિતિ પર નજર રાખી રહ્યાં છીએ. ટૂંક સમયમાં જ કોઇ હલ કાઢવામાં આવશે. અમેરિકા, ફ્રાન્સ, નોર્વે અને સ્વીડન સહિત ૧૦૦ દેશો પર સાયબર હુમલો થયો છે. ભારતમાં તેની અસર થઇ છે. સૌથી વધારે અસરગ્રસ્ત દેશોમાં યુકે, રશિયા અને તાઇવાન સામેલ છે.