ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ ભારતીય જનતા પાર્ટી (BJP) ના સ્થાપના દિવસ નિમિત્તે દેશભરના પક્ષના કાર્યકરોને શુભેચ્છાઓ પાઠવી છે. પાર્ટી 6ઠ્ઠી એપ્રિલે તેના સ્થાપના દિવસથી લઈને 14મી એપ્રિલે બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ સુધી સામાજિક ન્યાય સપ્તાહની ઉજવણી કરશે, જે દરમિયાન પક્ષના કાર્યકરો કલ્યાણકારી યોજનાઓના લાભોને ઉજાગર કરવા માટે બૂથ, બ્લોક અને જિલ્લા સ્તરે કાર્યક્રમોનું આયોજન કરશે. કાર્યક્રમની શરૂઆત પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કરશે.
આજે ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે ભાજપ પણ દિલ્હીથી તેના ચૂંટણી અભિયાનની શરૂઆત કરશે. દેશભરમાં 10 લાખથી વધુ સ્થળોએ દિવાલો પર “એક બાર ફિર સે મોદી સરકાર” અને “એક બાર ફિર સે ભાજપ સરકાર” ના નારા લખવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા બપોરે 12 વાગ્યે દિલ્હીના બંગાળી બજારમાં તેની શરૂઆત કરશે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ આ પ્રસંગે ટ્વીટ કર્યું- “ભારતીય જનતા પાર્ટીના 44માં ‘સ્થાપના દિવસ’ પર હાર્દિક શુભેચ્છાઓ. હું એવા કાર્યકરોને સલામ કરું છું જેમણે પોતાના બલિદાન, શ્રમ અને નિઃસ્વાર્થ સેવાથી વિશ્વની સૌથી મોટી પાર્ટી બનાવી. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણે બધા અંત્યોદય અને સેવાના સંકલ્પ સાથે વધુ સારા ભારતના નિર્માણ માટે સમર્પિત છીએ.”
ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ
ભગવા પક્ષનો ઉદય એક સિતારાની જેમ થયો અને હવે તે ‘ચૂંટણી વિનિંગ મશીન’ તરીકે ઉભરી આવ્યો છે. પક્ષ સત્તાવાર રીતે 6 એપ્રિલ 1980 ના રોજ અસ્તિત્વમાં આવ્યો. તે 1951માં શ્યામા પ્રસાદ મુખર્જીએ રચેલા જનસંઘમાંથી ઉભરી આવ્યો હતો. તત્કાલીન કોંગ્રેસની આગેવાની હેઠળની સરકાર દ્વારા કટોકટી લાદવામાં આવ્યા પછી, જનસંઘ 1977 માં ‘જનતા પાર્ટી’ બનાવવા માટે કેટલાક અન્ય પક્ષો સાથે ભળી ગયો. ત્રણ વર્ષ પછી, જનતા પાર્ટીનું વિસર્જન થયું અને તેના સભ્યોએ અટલ બિહારી વાજપેયીને પ્રથમ પ્રમુખ બનાવીને ભારતીય જનતા પાર્ટીની રચના કરી.
1984 માં 2 બેઠકોથી શરુ કરીને બની રાજકીય સત્તા
1984માં સ્વતંત્ર પક્ષ તરીકે લડેલી પહેલી લોકસભા ચૂંટણીમાં ભાજપ માત્ર બે બેઠકો જીતવામાં સફળ રહી હતી. પરંતુ ભાજપના બે નેતાઓની ઐતિહાસિક જીત – આંધ્રપ્રદેશના ચંદુપતાલા જંગા રેડ્ડી અને ગુજરાતમાંથી એકે પટેલ -એ પાર્ટીને તે સમયના પ્રબળ કોંગ્રેસને આગામી વર્ષોમાં પડકારવા માટે જરૂરી સમર્થન આપ્યું.
ત્યારપછીની સામાન્ય ચૂંટણીઓમાં, ભાજપે તેની સીટોમાં સતત વધારો કર્યો છે (2004 અને 2009 સિવાય). તેણે 1989માં 85 બેઠકો જીતી અને 1991માં ત્રણ અંક પર પહોંચી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી હેઠળ, પાર્ટીએ 2014 અને 2019 માં ઐતિહાસિક જીત નોંધાવી, નીચલા ગૃહમાં પોતાના દમ પર બહુમતી મેળવી. 2019ની સામાન્ય ચૂંટણીમાં ભાજપે સ્વતંત્ર રીતે પહેલીવાર 300નો આંકડો પાર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે ભાજપે પાર્ટીના પદાધિકારીઓ અને તમામ સાંસદો અને ધારાસભ્યો માટે સ્થાપના દિવસના કાર્યક્રમોમાં ભાગ લેવો, એક વિધાનસભા મતવિસ્તારમાં ઓછામાં ઓછા ત્રણ કાર્યક્રમોનું આયોજન કરવું અને સોશિયલ મીડિયા પર ફોટા શેર કરવાનું ફરજિયાત બનાવ્યું છે.