રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા કોંગ્રેસના ધારાસભ્યોમાંથી વિધાનસભાની ચૂંટણી લડેલાં સાત ધારાસભ્યો માંથી પાંચ ધારા સભ્યોનો પરાજય થયો છે. ભાજપની ટિકીટ પરથી ચૂંટણી લડેલાં આ ધારાસભ્યોને હરાવવા માટે ભાજપના સ્થાનિક નેતાઓ આગેવાનોએ ભૂંડી ભૂમિકા ભજવી હોવાનું બહાર આવ્યુ છે. બીજી રીતે કરીએ તો અમદાવાદ જીલ્લાની વિરમગામની બેઠકના ઉમેદવાર તેજશ્રી બેન પટેલ, માણસાના અમિત ચૌધરી, જામનગરના રાઘવજી પટેલ, ઠાસરાના રામસિંહ પરમાર અને બાલા સિનોરના માનસિંહ ચૌહાણને પક્ષપલટો કરવાની કિંમત પરાજયથી ચૂકવવી પડી છે.
ભાજપની વિજય કૂચ 99 બેઠકે અટકી ગઇ છે. ત્યારે જો આ ધારાસભ્યોને જીતાડવામાં ભાજપનું સ્થાનિક સંગઠન કામે લાગ્યુ હોય તો વિધાનસભામાં 105 બેઠક સાથે ભાજપનો દબદબો જોવા મળ્યો હોય તેવું કહેવામાં અતિયોક્તિ નથી. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઓગસ્ટ મહિનામાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા 12 ધારાસભ્યો માંથી સાત ધારાસભ્યોને ટિકિટ આપી હતી.