ટાટા ગ્રુપની એરલાઈન એર ઈન્ડિયાના નોમિનેટેડ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) કેમ્પબેલ વિલ્સનને ગૃહ મંત્રાલય તરફથી સુરક્ષા મંજૂરી મળી છે. આ સાથે કેમ્પબેલ વિલ્સન માટે એરલાઇનની બાગડોર સંભાળવાનો રસ્તો સાફ થઇ ગયો છે.
હકીકતમાં, નાગરિક ઉડ્ડયન નિયમો હેઠળ એરલાઇનના મુખ્ય અધિકારીઓની નિમણૂક માટે ગૃહ મંત્રાલયની મંજૂરી જરૂરી છે. જો કે આ અંગે એર ઈન્ડિયાના પ્રવક્તા તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી.
તમને જણાવી દઈએ કે 12 મેના રોજ ટાટા સન્સે એર ઈન્ડિયાના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે વિલ્સનની નિમણૂકની જાહેરાત કરી હતી. વિલ્સન સ્કોટ એરની સંપૂર્ણ માલિકીની પેટાકંપની સિંગાપોર એરલાઇન્સના CEO રહી ચૂક્યા છે. તેણે કેનેડા, હોંગકોંગ અને જાપાનની એરલાઇન કંપનીઓ સાથે પણ કામ કર્યું છે.
ગયા વર્ષે ઓક્ટોબરમાં, સરકારે સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા દ્વારા એર ઈન્ડિયાને ટાટા સન્સની પેટાકંપની ટેલ્સ પ્રાઈવેટ લિમિટેડને વેચી દીધી હતી. આ ડીલ લગભગ 18,000 કરોડ રૂપિયામાં થઈ હતી. એર ઈન્ડિયાની શરૂઆત ટાટા ગ્રુપ દ્વારા 1932માં કરવામાં આવી હતી અને 1953માં કેરિયરનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. મતલબ કે એર ઈન્ડિયા ફરી એકવાર ટાટા ગ્રુપના હાથમાં આવી ગઈ છે.