નવી દિલ્હી : કાર સર્વિસ માટે લોકો વારંવાર ઓથોરાઈઝડ સેવા કેન્દ્ર પર જ જાય છે. મોટા ભાગના લોકો માને છે કે ઓથોરાઈઝડ સેવા કેન્દ્રો સર્વિસ માટે થોડા વધુ નાણાં લે છે, પરંતુ અહીં કાર સર્વિસ કરાવવાથી કારનું જીવન વધી જાય છે. જો તમે પણ એવું વિચારો છો થોભી જાવ. અમે તમને આ સ્ટોરીમાં જાણકારી આપી રહ્યાં છીએ કે સર્વિસ કેન્દ્રો સર્વિસના નામે લોકોને ચૂનો કેવી રીતે લગાવે છે. જે લોકોને કાર સર્વિસ અંગે કોઈ જાણકારી નથી તેવા લોકો સર્વિસ સેન્ટરવાળાનો શિકાર બને છે. જે લોકો ગાડી સર્વિસમાં મૂકીને ઘરે ચાલ્યા જાય છે તેમની સાથે આ પ્રકારની ઘટના વધુ બનતી હોય છે.
આજે લોકો પાસે સમય નથી હોતો અને કારની સર્વિસમાં ઓછામાં ઓછો એક દિવસ લાગી જાય છે. ઘણા લોકોને કારની સર્વિસ અંગે પૂરતી જાણકારી પણ હોતી નથી.જેનો ફાયદો ઉઠાવીને સર્વિસ સેન્ટરવાળા કે મિકેનિક પોતાની વાતોમાં ફસાવીને તમને મૂર્ખ બનાવી જાય છે.
આ લોકો જે પાર્ટ્સ (સાધન)ની જરૂર ન હોય તેને પણ ખરાબ બતાવે છે. જેના પર મોટાભાગના લોકો વિશ્વાસ કરી લે છે અને ગાડી સર્વિસમાં મૂકીને ચાલ્યા જાય છે. પરંતુ સર્વિસના નામે મોટાભાગે ગાડીઓ ધોઈને, સાફ કરીને પકડાવી દેવામાં આવે છે અને બિચારો ગ્રાહક મૂર્ખ બની જાય છે. સર્વિસના નામે થતી આ છેતરપિંડીથી તમે પણ ચિંતિત છો તો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે, કેટલીક ટિપ્સ દ્વારા તમે આ છેતરપિંડીથી બચી શકો છો.
ઘણી વખત જોવા મળે છે કે, એન્જિન ઓઈલને સર્વિસ સેન્ટર પર વ્યવસ્થિત રીતે બદલવામાં આવતું નથી. તેને ટોપ કરી દેવામાં આવે છે અથવા તો સફાઈ વગર જ ભરી દેવામાં આવે છે. આ ઉપરાંત ઓઇલ ફિલ્ટરને ન બદલવું, મુજબ ટાયરનું રોટેશન ન કરવું. જરૂરિયાત ન હોવા છતાં ગાડીના પાર્ટ્સ બદલવાનું કહેવું અને તે પાર્ટ્સ બદલ્યા વગર જ તેને બિલમાં જોડી દેવામાં આવે છે. સૌથી પહેલા તમારે તમારી ગાડીની સંપૂર્ણ જાણકારી મેળવવાની રહેશે. એવી પ્રયત્ન કરો કે સર્વિસ તમારા જાણીતા મિકેનિક અથવા કોઈ વિશ્વાસપાત્ર સર્વિસ સેન્ટર પરથી જ કરાવવામાં આવે.
ગાડી સર્વિસ કરાવવા માટે ટાઈમ કાઢીને જવું. એ જ દિવસે ગાડી સર્વિસ કરી દેવાનું કહેવામાં આવે તો તમે ત્યાં જ રોકાવ, ગાડી છોડીને ઘરે ન જાવ. તેમ છતાં ગાડીને મૂકીને જવાનું થાય તો સૌથી પહેલા ગાડીના એન્જીન ઓઈલના કલરને ચેક કરી લો. ઉલ્લેખનીય છે કે, જૂના એન્જીન ઓઈલનો કલર બ્લેક થઇ જાય છે. તેથી, જ્યારે ગાડી લેવા જાવ ત્યારે સૌથી પહેલા એન્જીન ઓઈલને સૌથી પહેલા ચેક કરો. આ સાથે જ એન્જીન ઓઇલ પૂરતું નાખ્યું છે કે નહીં તે પણ ચકાસો.
ડિઝલ કારમાં તમને એન્જીન ઓઇલના રંગથી નહીં પરંતુ સૂંઘીને તપાસ કરવાની રહેશે. જૂના ઓઇલમાંથી બાળવાની વાશ આવશે અને નવા એન્જીન ઓઇલમાં વાશ ખુબ ઓછી અથવા નહિવત આવશે. તમારી ગાડીનો સર્વિસ રિપોર્ટ તૈયાર કરીનારને કહો કે તે તમને પૂછીને જ એન્જીન ઓઇલ અને ફિલ્ટર બદલે.
જોકે, ઘણા વર્કશોપમાં અંદર જવાની પરવાનગી હોતી નથી. એવા માં તમે પરવાનગી લઈ શકો છો. જો તમને પરવાનગી મળે તો તમે તમારી નજર સામે ગાડીને રીપેર થતી જોઈ શકશો.
ગાડીની સર્વિસ પછી બિલને જરૂરથી જોવું, જે કામ થયું છે તેની સંપૂર્ણ જાણકારી પણ લો. ગાડી સર્વિસ કરાવતા પહેલા ઓનર મેન્યુઅલ બુકને પણ ધ્યાનથી વાંચી લો. તેનાથી તમને ઘણી હદે તમારી ગાડીને જાણવામાં મદદ મળશે.