ગુજરાત બોર્ડર ઉપર આવેલ દમણમાં વિકએન્ડમાં છેક વડોદરા , સુરત , વલસાડ ના પીવાના શોખીનો ની સતત અવરજવર રહેતી હોય છે અને જ્યાં ત્યાં બેસી દારૂ પીતા રહેતા હોય છે જે મામલે પ્રશાસન થોડું કડક બન્યું છે. દમણમાં જાહેર સ્થળ કે દરિયા કિનારે દારૂ અને બિયર વેચાણ અને પીવા ઉપર આમતો પ્રતિબંધ છે તેમ છતાં દમણમાં વાઇન શોપની બહાર જ લોકો જાહેરમાં દારૂનું સેવન તથા ઢાબાની આડમાં દારૂનું ગેરકાયદે વેચાણ થતું હોવાની ઉઠેલી વ્યાપક ફરિયાદના પગલે કલેકટરે એક એડવાઇઝરી બહાર પાડીને દમણના તમામ બાર અને વાઇન શોપ સંચાલકોને સૂચના આપી છે કે, આગામી એક માસમાં તમામ બાર અને વાઇન શોપના સંચાલકોએ 2 મેગા પિક્સલથી વધુની ક્ષમતાવાળા સીસીટીવી કેમેરા લગાવવાના રહેશે.
દમણમાં લાયસન્સ યુક્ત વાઇન શોપમાંથી દારૂ ખરીદી કરીને ગ્રાહકો શોપની આજુબાજુમાં જ દારૂનું સેવન કરવા માટે બેસી જતા હોય છે. વાઇન શોપની બાજુમાં જ કે પછી ઢાબાની આડમાં ગ્રાહકોને ગેરકાયદે દારૂ પીરસવામાં આવતા હોય છે. દમણના કલેકટર ડો. રાકેશ મિન્હાસને આ મુદ્દે મળેલી વ્યાપક ફરિયાદ બાદ તેમણે દમણમાં ચલાવતા બાર એન્ડ રેસ્ટોરંટ સંચાલક અને વાઇન શોપના સંચાલકોને આદેશ આપતી એક એડવાઇઝરી બહાર પાડી છે. આ એડવાઇઝરી મુજબ દરેક વાઇન શોપ અને બાર સંચાલકોએ તેમના શોપ અને બારનો તમામ એરિયા કવર થઇ શકે એમ મુબજ 2 મેગા પિક્સલથી વધારેની ક્ષમતાવાળા અને પ્લે બેક સિસ્ટમ યુક્ત સીસીટીવી કેમેરા એક માસની અંદર લગાવવાના રહેશે. આ ઉપરાંત વાઇન શોપ અને બાર સંચાલકોએ હવે થી છેલ્લા 21 દિવસનું સીસીટીવી કેમેરાના રેકોર્ડિગ સાચવીને રાખવું પડશે.
દમણ કલેકટર મિન્હાસે તમામ બાર અને વાઇન શોપ સંચાલકોને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે એક માસની અંદર જ પાર્કિગ સહિત 50 મીટર સુધીના એરિયા કવર કરી શકાય એવા સીસીટીવી કેમેરા લગાવવા માટે કડક સૂચના આપી છે. ખાસ તો વાઇન શોપની બહાર જ દારૂનું સેવન કરનારા ઉપર સંપૂર્ણ કંટ્રોલ કરવા માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે, જોકે, દમણના કચીગામ વિસ્તારમાં આવેલા કેટલાક બાર અને વાઇન શોપમાં હજુ પણ લોકો દારૂ ખરીદી કરીને જાહેરમાં જ પીવા માટે બેસી જતા હોવાના દ્રશ્યો જોવા મળે છે ત્યારે હવે જો પકડાયા તો કાયદેસરની કાર્યવાહી નો સામનો કરવો પડી શકે છે થર્ટી ફસ્ટ ઉપર પીવાના શોખીનો આ વાત નું ધ્યાને રાખે તે જરૂરી છે.