અમદાવાદમાં કોંગ્રેસના લેટર હેડનો ઉપયોગ કરી ઉમેદવારોની બોગસ યાદી ફરતી કરવામાં આવી હતી. આ મામલાને અતિ ગંભીરતાથી લઈને યાદીના ફોન્ટની ચકાસણી કરી તેમજ ક્યાંથી વાયરલ થઈ તે શોધીને આ મામલે કોંગ્રેસે ચૂંટણીપંચમાં ફરિયાદ કરી છે. જવાબદારો સામે કડક પગલાં લેવાની માંગ કરી છે.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની સહી તેમજ કોંગ્રેસના લેટરહેડનો દુરુપયોગ કરનારા સામે ચૂંટણી કમિશનર અને અમદાવાદ પોલીસ કમિશનરને પણ ફરિયાદ કરી છે અને આ કૃત્ય કરનારા સામે કડક પગલાં ભરવાની માગણી કરી છે. આ મામલે કોંગ્રેસનું કહેવુ છે કે આ છેતરપિંડી અને બદ ઈરાદાનો ગંભીર ગુનો બને છે. આ ઉપરાંત કોઈએ અમારા પક્ષમાં અંદરો અંદર ઝઘડા કરાવવાના હેતુથી આ કારનામું કર્યુ છે. આવા રાજ્યદ્રોહી તત્ત્વો સામે કડક હાથે કામ લેવામાં આવે તેવી માંગણી કરી છે.
19મી નવેમ્બરની રાતે ચોક્કસ તત્ત્વો દ્વારા બોગસ ઉમેદવારોની યાદી સોશિયલ મીડિયામાં ફરતી કરવામાં આવી હતી. કોંગ્રેસે આ ગંભીર પ્રકારના કૃત્યમાં તટસ્થ તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં ભરવા માગણી કરી છે. કોંગ્રેસના ઉમેદવારોની બોગસ યાદી મામલે ચૂંટણીપંચમાં ફરિયાદ કરી છે.