પોલિટિકલ ડેસ્ક:ચૂંટણીપંચ દ્વારા ગુજરાતમાં પેટાચૂંટણીની જાહેરાત થતાં જ ગુજરાતના રાજકા રણમાં ગરમાવો આવી ગયો છે. ગઈકાલ સુધી કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની વાતો કરતી એનસીપીએ આજે પોતાના સુર બદલતાં રાધનપુરમાં ફરશુ ગોકલાણીને પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. એવા પણ અહેવાલ મળી રહ્યા છે કે એનસીપી બાયડમાં પણ પોતાનો ઉમેદવાર ઉભો રાખી શકે છે.
આમ તો ગુજરાતમાં એનસીપીનો કંઈ ખાસ ગજ વાગતો નથી પણ પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાના એનસીપીમાં પ્રવેશ બાદ સ્થિતિ જુદી છે વળી રાધનપુર બાપુનો ગઢ ગણાય છે. આથી આગામી પેટા ચૂંટણીમાં એનસીપીનો પ્રભાવ પણ નકારી શકાય એમ નથી. આથીજ કોંગ્રેસે એનસીપીને પોતાની સાથે રાખી પેટાચૂંટણીની વૈતરણી પાર કરવાનો વ્યૂહ રચ્યો હતો પણ તે નાકામ નીવડ્યો છે.
પક્ષપલટુ નેતાઓને પાઠ ભણાવવા કોંગ્રેસ આ પેટાચૂંટણીમાં વધુમાં વધુ બેઠકો જીતવાની આશા રાખીને બેઠી હતી ત્યારે આજે કોંગ્રેસને પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ થયો છે.