ગુજરાત વિધાનસભાના પડઘમ વાગી રહ્યા છે. ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ તમામ પ્રકારના દાવ પેચ લડાવી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોઈ કસર છોડવા માંગતા નથી. જીએસટી, નોટબંધી, ગુજરાતના વિકાસ મોડલ અને બેરોજગારીના મુદાને લઇને વિપક્ષ ખાસ કરીને કોંગ્રેસ દ્વારા ભીંસમાં લેવાતા ભાજપે પોતાના નેતાઓ અને પ્રધાનોની ફોજ ઉતારી દીધી છે. આ નેતાઓ કોંગ્રેસના મુદાઓનો વળતો જવાબ આપી રહ્યા છે એટલુ જ નહી વિકાસના મોડલને લઇને પોતાનો પક્ષ પણ સાથે રાખી રહ્યા છે. કોંગ્રેસ હવે ભાજપ અને સરકારની આ કવાયતનો જડબાતોડ જવાબ આપવાની તૈયારીમાં છે જે હેઠળ કોંગ્રેસના તમામ નેતાઓ અને પુર્વ કેન્દ્રીય મંત્રી અમદાવાદ અને ગાંધીનગરમાં પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા છે એટલુ જ નહી અન્ય શહેરોમાં પણ મીડીયા સાથે વાત કરી રહ્યા છે.
કોંગ્રેસના ૩ થી ૪ નેતાઓ અલગ-અલગ શહેરોમાં મીડીયાને મળી રહ્યા છે. હવે આનંદ શર્મા, રાજ બબ્બર, મનીષ તિવારી, અજય માકન, કેપ્ટન અમરીન્દરસિંહ વગેરે મીડીયાને મળશે.અા વખતે ભાજપને જડબાતોડ જવાબ અાપવા કોંગ્રેસે અાક્રમક રણનીતિ હોય તેવો સ્પષ્ટ ચિતાર છે.