કોરોના વાઈરસના ચેપ પછી સ્વસ્થ થયેલા દર્દીઓને દેખાવાનું પૂરેપૂરું બંધ થઈ ગયું હોય અથવા તેમની આંખોની રોશની 50 ટકાથી વધુ જતી રહી હોય. કોરોના સાથે જોડાયેલું આ અત્યંત ચોંકાવનારું તથ્ય હતું. સૌથી પહેલા જૂનમાં આવા કેસ અમારી પાસે આવ્યા હતા. જોકે આ સમયે કોરોના સાથે તેનો કો-રિલેશન સ્પષ્ટ થઈ શક્યો નહોતો, પરંતુ એ પછી એક જ મહિનામાં આવા કેસ ઉપરાછાપરી આવ્યા, ત્યારે સમજાયું કે કોરોના વાઈરસ આંખોને પણ ગંભીર નુકસાન પહોંચાડી રહ્યો છે. એ પછી અમારી ટીમે તેના પર રિસર્ચ શરૂ કર્યું. યુકેની મેડિકલ જરનલમાં પણ આવો એક કેસ પ્રસિદ્ધ થયો છે. અમારી પાસે એવા 5 કેસ આવ્યા હતા, જેમાં બધા જ દર્દીની રેટિનાની લોહી લઈ જતી વાળ જેટલી પાતળી નળીમાં બ્લડ ક્લોટ ફસાયા હતા. આ બ્લડ ક્લોટ જ્યારે ધમનીઓમાં જાય છે ત્યારે દેખાવાનું બંધ થઈ જાય છે, એ જ રીતે ક્લોટ શીરામાં જાય તો આંખોની રોશની ઓછી થઈ જાય છે.
આંખની એન્જિયોગ્રાફી, ઓટોફ્લોરોસન્સ અને રેટિનાના ફોટામાં લોહીના ગઠ્ઠા સ્પષ્ટ દેખાય છે. અમારી પાસે જે 5 કેસ આવ્યા હતા, તે દર્દીઓ 32થી 70 વર્ષની વય વચ્ચેના હતા. આ ઉપરાંત અન્ય 7 એવા પણ કેસ આવ્યા હતા જે કોરોનાગ્રસ્ત હોવાનું કહેતા નથી, પરંતુ તેમની આંખોમાં પણ આ જ સમસ્યા ઝડપથી વધતી નજરે ચડી. આ દર્દીઓનું કહેવું છે કે આ પહેલાં તેમને આંખ સંબંધિત કોઈ બીમારી ન હતી અર્થાત કોરોનાના સંક્રમણ પછી જ તેમની આંખો પર અસર થઈ હતી. આ 7માંથી 5 દર્દીએ હોમ આઈસોલેશનમાં સારવાર લીધી હતી, જ્યારે 2 દર્દી હોસ્પિટલમાં દાખલ થયા હતા. હોમ આઈસોલેશનમાં દર્દી હોય ત્યારે કેટલાક સંજોગોમાં મોડી સારવાર પણ થતી હોય છે. આ ઉપરાંત દર્દીની સારવાર દરમિયાન કે પછી સાજા થઈ ગયા પછી કોઈ પ્રકારનો બ્લડ રિપોર્ટ કરવામાં આવતા નથી. માટે લોહી પાતળું કરવાની સારવાર પણ નથી થતી. મહારાષ્ટ્રના નાગપુર સહિત અન્ય રાજ્યોના 9 દર્દીમાં પણ આવાં લક્ષણ જોવા મળ્યાં છે. તેમની સારવાર ચાલી રહી છે. અમારો આ રિપોર્ટ ઈન્ડિયન મેડિકલ જરનલમાં પણ પ્રકાશિત થવાનો છે.