અમરિકા અને ચીન વચ્ચે આરોપ- પ્રત્યારોપ અને ફંડિંગના આરોપોનો સામનો કરી રહેલા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ કોરોનાવાઈરસની મહામારીને લઈને ગંભીર ચેતવણી જારી કરી છે. ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ ગીબ્રિયેસસે કહ્યું કે, હજુ વધુ ખરાબ સમય આવવાનો બાકી છે અને ખરાબ પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે અને દુનિયામાં કોવિડ-19 મહામારીનું ખરાબ સ્વરૂપ જોવા મળશે. નવા ડેટાના આધારે તેમને આ ચેતવણી આપી છે તેવું માનવામાં આવી રહ્યું છે, જે મુજબ, સમગ્ર વિશ્વમાં માત્ર 2 થી 3% વસ્તીમાં જ આ વાઈરસની સામે લડવાની ઈમ્યુનિટી છે અને વેક્સિન વગર પરિસ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. ટેડ્રોસના જણાવ્યા પ્રમાણે, “અમારા પર વિશ્વાસ કરો. આ સમસ્યાને રોકવામાં આગળ આવો કેમ કે, આ એવો વાઈરસ છે જેને હજુ સુધી લોકો સમજી શકતા નથી. તેમણે કહ્યું “અમે પહેલા જ દિવસથી ચેતવણી આપી રહ્યા છીએ કે આ શેતાન છે જે આપણે બધાએ સાથે મળીને લડવાનું છે.” અમેરિકા સાથે બગડતા સંબંધો વિશે ટેડ્રોસે જણાવ્યું કે, WHO માં કોઈ રહસ્ય નથી અને કોરોનાવાઈરસના સંબંધમાં પહેલા દિવસથી અમેરિકાથી કંઈક જ છૂપું નથી.