ઓલમ્પિક્સ ચેમ્પિયન ડાલિયાહ મહંમદે ઍથ્લેટિક્સની દુનિયાના સૌથી જૂના રેકોર્ડમાંથી ઍકને તોડી નાંખ્યો હતો. તેણે યુનાઇટેડ સ્ટેટસ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 400 મીટરની વિઘ્ન દોડને 52.20 સેકન્ડમાં પુરી કરીને રવિવારે આઇઓવામાં ઍક નવો રેકોર્ડ બનાવ્યો હતો.
ડાલિયાહે રશિયાની સ્પ્રિન્ટર યુનિલાય પેચોનકિનાનો 52.34સેકન્ડના 2003માં બનાવેલા રેકોર્ડને તોડ્યો હતો. બે અઠવાડિયા પહેલા ટ્રેનિંગ દરમિયાન ગબડી પડેલી 29 વર્ષિય ડાલિયાહે પોતાની આ સિદ્ધિ બાબતે ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે મને પોતાને ઘણી નવાઇ લાગી રહી છે.
રિયો ઓલમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનારી ડાલિયાહે ચોથી લેનથી શરૂઆત કરીને આ રેકોર્ડ બનાવ્યો હતો. ડાલિયાહની સાથે શેમિયર લિટિલ અને સિડની મેક્લોલિન તેમજ ઍશ્લે સ્પેન્સર પણ આ રેસમાં સામેલ હતી. મેક્લોલિને 52.88 સેકન્ડમાં આ રેસ પુરી કરીને સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે ઍશ્લે સ્પેન્સરે 53.11 સેકન્ડ સાથે બ્રોન્ઝ મેડલ કબજે કર્યો હતો. આ ત્રણેઍ દોહામાં યોજનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ માટેની અમેરિકન ટીમમાં સ્થાન મેળવી લીધું હતું.