દિલ્હી હાઇકોર્ટે આજે Reliance કોમ્યુનિકેશન(આરકોમ)ના તત્કાલીન ચેરમેન અનિલ અંબાણી વિરૂદ્ધ ઇન્સોલવન્સી રિઝોલ્યુશન પ્રોસેસ(આઇઆરપી) એટલે કે નાદારી નિવારણ પ્રક્રિયા પર સ્ટે મૂકી દીધો છે. નાદારીની આ પ્રક્રિયા એસબીઆઇ દ્વારા તેમની કંપનીઓને આપવામાં આવેલી 1200 કરોડ રૂપિયાની લોનની વસુલાતના સંબધમાં શરૂ કરવામાં આવી હતી.
Reliance કોમ્યુ. સહીત 2 લોનમાં હતા વ્યક્તિગત ગેરન્ટર
અંબાણી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા Reliance કોમ્યુનિકેશન (આરકોમ) અને Reliance ઇન્ફ્રાટેલ લિમિટેડ (આરઆઇટીએલ)ને આપવામાં આવેલ 565 કરોડ રૂપિયા અને 635 કરોડ રૂપિયાની લોન માટે વ્યકિતગત ગેરન્ટર હતાં.
ઇન્સોલવન્સી એન્ડ બેંકરપ્સી કોડ આઇઆરપી પર સ્ટે
ન્યાયમૂર્તિ વિપિન સાંઘી અને ન્યાયમૂર્તિ રજનીશ ભટનાગરની ખંડપીઠે ઇન્સોલવન્સી એન્ડ બેંકરપ્સી કોડ(આઇબીસી) હેઠળ આઇઆરપી પર સ્ટે મૂકવાની સાથે જ આગામી સુનાવણી સુધી અંબાણી પર પોતાની સંપત્તિઓ અથવા કાયદાકીય અધિકારો અને હિતોના સ્થળાંતર, કોઇને ધિરાણ કરવા કે લેવા કે વેચવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
SBIને પોતાનું વલણ સ્પષ્ટ કરવા નોટિસ
કોર્ટે આ સંબધમાં કેન્દ્ર સરકાર, ઇન્સોલવન્સી એન્ડ બેંકરપ્સી બોર્ડ ઓફ ઇન્ડિયા(આઇબીબીઆઇ) અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને નોટિસ જારી કરી જણાવ્યું હતું કે 6 ઓક્ટોબર અગાઉ આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરે. આ કેસની આગામી સુનાવણી 6 ઓક્ટોબરે થશે. ઉલ્લેખનીય છે કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ(એનસીએલટી)એ 20 ઓગસ્ટે પોતાના આદેશમાં અંબાણીની વિરૂદ્ધ નાદારીની પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ આપ્યો હતો.