તીસ હજારી અદાલતમાં દિલ્હી પોલીસ અને વકીલો વચ્ચે ગયા શનિવારે થયેલી અથડામણ પછી સાકેત જિલ્લા અદાલતોમાં વકીલો દ્વારા પોલીસને થયેલી મારપીટનો કિસ્સો વણસી રહેલો જણાય છે. મંગળવારે દિલ્હીમાં દસ હજાર પોલીસે દેખાવો કર્યા બાદ હવે દિલ્હી પોલીસને મધ્ય પ્રદેશ આઇપીએસ એસોસિયેશને ટેકો જાહેર કર્યો હતો.
ખરું પૂછો તો દેશભરના પોલીસ તંત્રે દિલ્હી પોલીસને ટેકો જાહેર કર્યો છે. એક પછી એક રાજ્યનું પોલીસ દળ દિલ્હી પોલીસને ટેકો જાહેર કરવા માંડ્યું છે. મધ્ય પ્રદેશ આઇપીએસ એસોસિયેશને કહ્યું હતું કે પોલીસને પણ સ્વરક્ષણ અને સુરક્ષિતતાનો અધિકાર છે. મંગળવારે દિલ્હીમાં સવારથી શરૂ થયેલું પોલીસ આંદોલન છેક રાત્રે આઠ વાગ્યે વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ આપેલી ખાતરી પછી સમેટાયું હતું.
દિલ્હી પોલીસના વધારાના કમિશનર (અપરાધ શાખા) સતીશ ગોલચાએ એવી જાહેરાત કરી હતી કે આજે બુધવારે સવારે દિલ્હી પોલીસ હાઇકોર્ટમાં એક અરજી કરશે. હાઇકોર્ટને એવી વિનંતી કરવામાં આવશે કે જેમ ઇજાગ્રસ્ત વકીલોને તબીબી સારવાર માટે આર્થિક મદદની જાહેરાત કરવામાં આવી છે એવીજ જાહેરાત ઇજાગ્રસ્ત પોલીસ માટે પણ કરવી જોઇએ. દરમિયાન, જુદાં જુદાં રાજ્યોની પોલીસ દિલ્હી પોલીસને ટેકો જાહેર કરવા માંડી હતી.