કોરોના વાયરસ સંક્રમણના લક્ષણોમાં ગળામાં ખારાશ ની સમસ્યા પણ સામેલ છે. એટલા માટે જો તમને ગળામાં ખરાશ જેવી કોઇ પણ સમસ્યા છે તો ડૉક્ટર પાસેથી તાત્કાલિક સલાહ લો. પરંતુ વરસાદની ઋતુમાં ક્યારેક ક્યારેક આ પ્રકારની સમસ્યા સર્જાતી હોય છે. જેનો તમે ઘરે રહીને પણ ઉપચાર કરી શકો છો. આ ઘરેલૂ ઉપચારમાં આદુ, મધ અને પાણી સામેલ છે. આદું અને મધને આયુર્વેદમાં ઔષધિ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.
આ પદ્ધતિથી પાણી તૈયાર કરી તેનું સેવન તેમજ કોગળા કરો
એક આદુનો ટુકડો લો અને તેને પાણીમાં સારી રીતે ધોઇને નાના-નાના ટુકડામાં કાપી લો. હવે આદુના આ ટુકડાઓને બે ગ્લાસ પાણીમાં મિક્સ કરીને કોઇ વાસણમાં ઉકાળવા માટે રાખી દો. તેને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી આ પાણી એક ગ્લાસ જેટલું ન બચે. હવે પાણીને ગાળીને એક ગ્લાસમાં રાખો અને તેમાં એક ચમચી મધ મિક્સ કરો. હવે આ પાણીનું ઘૂંટડે-ઘૂંટડે સેવન કરો. તેનું સેવન કરવાની સાથે સાથે તેનાથી કોગળા પણ કરી શકો છો. તેનાથી ગળાને રાહત મળશે અને ગળામાં ખરાશની સમસ્યા પણ જલ્દી ઠીક થઇ જશે.
આ પ્રકારના જ કેટલાક ઉપચાર વિશે જાણો
- એક કપ પાણીમાં 4 થી 5 મરી તેમજ તુલસીના 5 પત્તાને ઉકાળીને કાઢો બનાવી લો અને આ કાઢાનું સેવન કરો. આ રાત્રે સૂતી વખતે પીવાથી લાભ થશે. આ ઉપરાંત ભોજનમાં પણ સામાન્ય હળવું ભોજન કરવું પણ ફાયદાકારક રહેશે.
- ગળામાં ખરાશ થવા પર હુંફાળું પાણી પીઓ. હુંફાળા પાણીમાં વિનેગર (સરકો) નાંખીને કોગળા કરવાથી ગળાની ખરાશ દૂર થાય છે અને ગળાનું સંક્રમણ પણ ઠીક થઇ જાય છે. આ ઉપરાંત હુંફાળા પાણીમાં મીઠું નાંખીને કોગળા કરવા પણ અસરકારક સાબિત થાય છે.
- ગળાની ખરાશ દૂર કરવા માટે મરીને દળીને ઘી અથવા પતાશાની સાથે ખાવાથી પણ લાભ થાય છે. આ સાથે જ મરીને 2 બદામની સાથે દળીને સેવન કરવાથી ગળાના રોગ દૂર થઇ શકે છે.